Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

મગફળીના વાવેતરમાં ૬,૪૧,૫૨૧ હેકટરનો વધારો, કપાસમાં ૫૦૭૩૪નો ઘટાડો

રાજ્યમાં છેલ્લા ૩ વર્ષનું મગફળીનું સરેરાશ વાવેતર ૧૫,૪૦,૦૭૮, કપાસનું વાવેતર ૨૬,૭૩,૮૯૨ હેકટરમાં

રાજકોટ, તા. ૮ :. રાજ્યમાં વરસાદ માટેનો મહત્વનો અષાઢ મહિનો ચાલી રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં વાવણી પૂરી થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનો પાક ઉગાડવામાં આવે છે. આ વર્ષે ખેડૂતો મગફળીના વાવેતર તરફ મોટા પ્રમાણમાં વળ્યા છે. માગ્યા મુજબ વરસાદ વરસે અને કુદરતી સંજોગો અનુકુળ રહે તો દિવાળી ટાણે બજારોમાં મગફળીના ઢગલા થઈ જશે. ગયા વર્ષે મગફળીનું વાવેેતર ૧૧,૮૫,૯૯૮ હેકટરમાં થયેલ. આ વખતે ૬ જુલાઈ સુધીની સ્થિતિએ વાવેતરમાં ધરખમ વધારો થયો છે. આ વખતનું અત્યાર સુધીનું મગફળીનું વાવેતર ૧૮,૨૭,૫૧૯ હેકટરમાં થયુ છે. તે કુલ વાવેતર વિસ્તારના ૧૧૮ ટકા જેટલુ ગણાય છે. છેલ્લા ૩ વર્ષમાં મગફળીનો સરેરાશ વાવેતર વિસ્તાર ૧૫,૪૦,૦૭૮ હેકટર રહ્યો છે.

કપાસનું ગયા વર્ષે ૧૮,૭૬,૦૧૦ હેકટરમાં વાવેતર થયેલ. આ વર્ષે એ જ સમયગાળામાં ૧૮,૨૫,૨૭૬ હેકટરમાં વાવેતર થયુ છે. ગયા વર્ષની સરખામણીએ ૫૦૭૩૪ હેકટર વાવેતર વિસ્તાર ઘટયો છે. છેલ્લા ૩ વર્ષનો કપાસનો સરેરાશ વાવેતર વિસ્તાર ૨૬,૭૩,૮૯૨ હેકટર રહ્યો છે. તેની સરખામણીએ આ વખતે કપાસનું વાવેતર ધરખમ રીતે ઘટયુ છે. ગયા વર્ષે બાજરીનું વાવેતર ૬૧૫૭૯ હેકટરમાં થયેલ. આ વર્ષે ૭૫૧૦૮ હેકટરમા થયુ છે. જુવાર ગયા વર્ષે ૮૨૩૪ હેકટરમાં વાવવામાં આવેલ. આ વખતે ૭૮૩૩ હેકટરમાં વાવવામાં આવી છે. તુવેરનું વાવેતર ગયા વર્ષની ૬ જુલાઈએ ૬૮૨૫૬ હેકટરમા હતુ. આ વખતે ૮૭૭૯૯ હેકટરમાં થયુ છે. મગનું વાવેતર ગયા વર્ષના ૧૪૧૬૮ની સરખામણીએ આ વર્ષે ૨૫૧૩૩ હેકટરમાં છે. તમાકુનુ વાવેતર અત્યાર સુધીમાં માત્ર ૪૧ હેકટરમાં થયુ છે.

(11:30 am IST)