Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સુરતમાં વધુ વિજ બિલ આવતા ટોરન્ટ કંપની સામે આંદોલન કરવાની ચિમકી

સુરતઃ સુરતના વરાછા વિસ્તારની ૪૫ જેટલી સોસાયટીઓ દ્વારા ટોરેન્ટ પાવર દ્વારા ફટકારવામાં આવેલા મસમોટા બીલનો વિરોધ કર્યો હતો અને આ બીલમાં ઘટાડો નહિ કરવામાં આવે તો સ્થાનિક સોસાયટીઓ દ્વારા વિજ બીલ નહિ ભરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. લોકડાઉન બાદ ટોરેન્ટ વિજ પાવર કંપની દ્વારા લોકોને મસમોટા બીલ ફટકારવામાં આવ્યા છે. જે લોકોના બીલ ૧૮૦૦ થી ૨૦૦૦ આવતુ હતુ. તેમનુ બીલ બાર-બાર હજાર ફટકારવામાં આવ્યુ છે. જેને કારણે સ્થાનિક લોકો દ્વારા ટોરેન્ટ કંપની પર જઈ આ અંગે જવાબ માંગ્યો હતો. જો કે કંપનીના કર્મચારી દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો. જેને કારણે આજે વરાછા ખોડીયારનગરની ૪૫ જેટલી સોસાયટીના રહીશો દ્વારા મિટીંગનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું.

આ મીટીંગમાં જો ટોરેન્ટ કંપની દ્વારા વિજ બિલ નહિ ઘટાડવામાં આવે તો બિલ નહિ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી સમયમાં સ્થાનિક લોકો દ્વારા રોડ પર ઉતરીને ટોરેન્ટ કંપનીનો વિરોધ નોંધાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

(5:57 pm IST)