Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનો રાજ્ય વ્યાપી વિરોધ અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અન્યોની અટકાયત

રાજકોટ-સુરત-વડોદરા-મોરબી-જામનગર-પાટણ સહિત ઠેર-ઠેર દેખાવોઃ હાયરે ભાજપ હાય હાયના સુત્રોચ્ચાર.. : ધારાસભ્ય ગ્યાસૂદિન શેખ-કોર્પોરેટર શાહ નવાઝ શેખ સહિત સંખ્યાબંધ કાર્યકરોની સરદારબાગ દરવાજા પાસે અટકાયત : અમદાવાદમાં સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરાઃ કેટલાક કાર્યકરો રસ્તા ઉપર સુઇ ગયાઃ કેટલાક પોલીસની ગાડી ઉપર ચડી ગયા.

અમદાવાદ,તા.૨૯: કોરોનાનાં કહેર વચ્ચે છેલ્લાં ૨૩ દિવસથી સતત પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજયવ્યાપી વિરોદ્ય કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને લોકોને આ અભિયાનમાં જોડાવા અંગેની અપીલ કરી છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પેટ્રોલ-ડીઝલનાં વિરોધને લઇને પોલીસે અટકાયત કરી છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદમાં સરદારબાગથી એલિસબ્રિજ ટાઉનહોલ સુધી પદયાત્રા કરીને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે એ સમયે સરદારબાગની બહાર આવતા જ અમિત ચાવડા અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતનાં કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાને લઇને પદયાત્રા કરતા કોંગ્રેસનાં નેતા અને કાર્યકર્તાઓની સરદારબાગનાં દરવાજાની બહાર નીકળતાની સાથે જ પોલીસે અટકાયત કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતનાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

એક બાજુ, લોકો કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે ત્યાં બીજી તરફ, પેટ્રોલ- ડોઝલના ભાવવધારાને પગલે લોકો મોંઘવારીનો માર ઝીલી રહ્યાં છે. પેટ્રોલ ડીઝલના ભાવવધારાને પગલે કોંગ્રેસ હવે આક્રમક મુડમાં છે.

આજે અમદાવાદ સહિત રાજયભરમાં કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. આજે અમદાવાદમાં પણ કોંગ્રેસે સરદારબાગ લાલ દરવાજાથી ટાઉનહોલ સુધી એક રેલીનું આયોજન કર્યું હતું જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

લાલ દરવાજા ખાતે કોંગ્રેસના કાર્યકરોએ પોસ્ટરો બેનરો સાથે દેખાવો કર્યા હતા આ ઉપરાંત હાય રે ભાજપ હાય હાયના સૂત્રો પોકારી વાતાવરણ ગુંજવી મુકયું હતું. કાર્યકરોએ પેટ્રોલ પંપ આકારના બેનરો સાથે મોદી સરકારની વિરોધમાં દેખાવો કર્યા હતા. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, શશીકાંત પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. રેલી આગળ વધે તે પહેલા જ પોલીસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસની રેલીને પગલે લાલ દરવાજા સરદાર બાગ પાસે પોલીસનો કાફલો સવારથી જ ખડકાયો ગયો હતો.

માત્ર અમદાવાદ જ નહીં પણ સુરત, વડોદરા, મોરબી, જામનગર, પાટણ સહિત રાજયભરમાં કોંગ્રેસના કાર્યકરોએ હલ્લાબોલ મચાવ્યો હતો. કેટલાક શહેરોમાં કાર ને દોરડા વડે ખેંચીને દેખાવો કર્યા હતા તો કયાંક કોંગ્રેસી કાર્યકરો ઘોડા અને બળદગાડા લઈને રેલી કાઢી અને પેટ્રોલ ભાવના વધારાનો કેવી રીતે વિરોધ કર્યા હતો.અમદાવાદમાં કેટલાક કાર્યકરો રસ્તા ઉપર સુઇ ગયા હતા, તો કેટલાક પોલીસની ગાડી ઉપર ચડી ગયા હતા.

(4:08 pm IST)