Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કુવિખ્યાત સુરજ મધરાતે જબ્બેઃ પરોઢ સુધી રાજકોટ સ્ટાઈલથી પૂછપરછ કર્યા બાદ પાસામાં ધકેલી દેવાયો

બે વાર તડીપાર, ૨૦ - ૨૦ ગુન્હાના મર્ડર કેસના આરોપીએ જામીન મુકત થયા બાદ ટેકેદારો સાથે વડોદરામાં યોજેલી રેલી ભારે પડીઃ પોલીસ તંત્રના વસ્ત્રોનું ચીરહરણ કરી રાજ્યભરમાં ચકચાર જગાવનાર આરોપી સામે અનુપમસિંહ ગેહલોત આકરાપાણીએઃ જામીનની શરતભંગનો રીપોર્ટ પણ કરાશે

રાજકોટ, તા. ૨૯ :. જેની સામે ૨૦થી વધુ ગુન્હાઓ નોંધાયા છે અને બબ્બે વખત તડીપાર થયેલ તેવા મર્ડર કેસના વડોદરાના કુવિખ્યાત અપરાધી સુરજ ઉર્ફે ચુંઈ કહાર દ્વારા વડોદરાની મધ્યસ્થ જેલના મુખ્ય દરવાજાથી વાઘોડીયા રોડ ઉપર ઓડી કારમાં ટેકેદારો સાથે રેલી યોજી પોલીસ તંત્રના વસ્ત્રહરણ કરવાના રાજ્યભરમાં ચકચારી મામલામાં અંતે પોલીસે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી રેલી કાઢનાર સુરજ ઉર્ફે ચુંઈની મધરાતે ધરપકડ કરી કોવિડ-૧૯ ટેસ્ટ બાદ પોલીસ કમિશ્નરે પાસા હેઠળ ધકેલી દીધો હતો.

અત્રે યાદ રહે કે વડોદરાના વાઘોડીયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે ગત તા. ૨૩ ફેબ્રુઆરીના રોજ વાહન ઓવરટેઈક કરવાના મામલે થયેલી ટકરારમાં આરોપી સુરજ ઉર્ફે ચુંઈ કહાર તથા સાથીદારોએ બાઈકસવાર કેવલ જાદવની હત્યા કરી નાખી હતી. ગત ૪થી જૂને જામીન પર છૂટકારો થયો હતો.

જામીન પર છુટેલા આરોપીએ પોલીસના જાહેરનામાનો ભંગ કરી ઓડી કારમાં ટેકેદારો સાથે રેલી યોજી હતી. આમ ખુલ્લેઆમ રેલી યોજવાના કારણે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબી બ્રાન્ચને આરોપીને કોઈપણ ભોગે શોધી કાઢવા વિવિધ ટીમો બનાવી કામે લગાડયા હતા. દરમિયાન રાજપીપળા પંથકમાંથી આરોપી સુરજને તેની ધર્મની બહેનના ઘરે કોર્ડન કરી વહેલી સવારે ઝડપી લેવાયો હતો. આરોપીને પકડવા માટે પોલીસ ટીમો બોટથી નદી ક્રોસ કરી વરાછા ગામે પહોંચી હતી અને ઝડપી લેવાયો હતો.

પોલીસ કમિશ્નર દ્વારા આરોપીની આગવી ઢબે પૂછપરછ કરવા આપેલ આદેશ અનુસાર ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજી દ્વારા રાજકોટ સ્ટાઈલથી પૂછપરછ કરી અને જામીનની શરતનો ભંગ કર્યા બદલનો પણ રીપોર્ટ પોલીસ કમિશ્નર દ્વારા કરી દાખલારૂપ કાર્યવાહી કરવાનો આદેશ પણ અપાયો હતો.

(12:06 pm IST)