Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જમાલપુર શાકમાર્કેટમાં હડતાળ : શાકની અછત સર્જાતા ભાવમાં વધારો થવાની શકયતા

શાક માર્કેટમાં અમુક જ વેપારીઓને પોલીસે મંજૂરી આપતા નારાજ વેપારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું

અમદાવાદ: ગુજરાતમાં જીવલેણ વાઈરસ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે મહામારીથી સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ શહેર છે. જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટે તકેદારીના ભાગરૂપે શહેરના જમાલપુર APMC શાક માર્કેટમાં અમુક જ વેપારીઓને પોલીસે મંજૂરી આપતા નારાજ વેપારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જેના પગલે આગામી સમયમાં શાકભાજીની અછત સર્જાશે અને આગામી સમયમાં શાકભાજીની કિંમતો પણ વધી શકે છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જમાલપુર APMC શાકમાર્કેટમાં 240 હોલસેલના વેપારીઓમાંથી પોલીસ દ્વારા માત્ર 53 વેપારીઓને જ મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે વેપારીઓએ હડતાલ પાડી છે. અગાઉ રથયાત્રા બાદ માર્કેટ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે 3-3 દિવસના ગાળામાં 33% દુકાનો ખુલ્લી રાખવાનું કહેતા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે વેપારીઓ અને ખેડૂતોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નીવેડો ના આવતા વેપારીઓ અને ખેડૂતોએ હડતાલ પાડી છે

, જથ્થાબંધ માર્કેટમાં હડતાળને પગલે તેની સીધી અસર છૂટક વેપારીઓ પર થશે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં શાકભાજીની સપ્લાય જમાલપુર APMC શાકમાર્કેટમાંથી થતી હોય છે. હવે જો પૂરવઠો ખોરવાય, તો તેની અસર શાકભાજીના ભાવ પર પણ પડશે તે સ્વાભાવિક છે. જેના કારણે આગામી સમયમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી શકે છે. .

(11:48 am IST)