Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અમદાવાદના અમરાઈવાડીમાં કોરોનાના ભયથી યુવાનનો આપઘાત !! :10 દિવસથી તાવ હતો : દવા લેવા છતાં સ્વાસ્થ્ય નહિ સુધારતા હતાશ

કોરોનાના ડરથી જાતે જ 10 દિવસથી રૂમમાં અલગ રહેતો હતો : ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

અમદાવાદ: કોરોના મહામારીના ડરને કારણે યુવકે આત્મહત્યા કરી છે અમદાવાદમાં અમરાઈવાડીમાં રહેતા 34 વર્ષીય યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે મોડી રાત્રે અમરાઈવાડીના હાટકેશ્વર ખાતે એકતા એપાર્ટમેન્ટમાં બનેલી આ ઘટના અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ 34 વર્ષના મહેશકુમાર ભોગીલાલ પંચાલ તેમના 14 વર્ષના પુત્ર અને વૃદ્ધ પિતા સાથે રહેતા હતા. મહેશકુમારને છેલ્લા 10 દિવસથી તાવ આવતો હતો. ડૉકટરે મહેશકુમારને ચેક કરી દવા લખી આપી હતી. જો કે દવા લીધા બાદ પણ તાવમાં કોઈ ફરક પડતો નહોતો. બીજી તરફ કોરોના મહામારીમાં પોતાને કોરોના થયો હોવાનું અજ્ઞાત ભય મહેશકુમારને સતાવી રહ્યો હતો. આ અંગે તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો નહોતો. ગત શુક્રવારે રાત્રે પુત્ર સોસાયટીના મિત્રો સાથે રમવા ગયો હતો. મહેશકુમાર તેમના રૂમમા જ્યારે વૃદ્ધ પિતા ભોગીલાલ બહાર સુતા હતા. મહેશકુમારનો પુત્ર ઘરે પાણી પીવા માટે આવ્યો ત્યારે તેણે જોયું તો પિતા મહેશકુમાર ગળા ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા.

આ બનાવને લઈ પોલીસ તપાસમાં મૃતક મહેશકુમારને પિતા ભોગીલાલએ પોલીસને જણાવ્યું હતું કે, પુત્રને છેલ્લા 10 દિવસથી તાવ આવતો હોવાથી દવા લીધા બાદ સ્વાસ્થ્યમાં કોઈ ફરક પડ્યો નહોતો. કોરોના વાયરસના ભયથી તે જાતે અલગ રૂમમાં 10 દિવસથી રહેતો હતો. કોરોના રિપોર્ટ કઢાવ્યો ન હતો પણ કોરોનાનો ભય તેણે સતત રહેતો હતો. કોરોનાના ડરથી તેણે આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(11:26 pm IST)