Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રાજ્યભરની અદાલતોનું કામ કોન્ફરન્સીંગથી ટૂંક સમયમાં ચાલુ

ત્રણ માસથી રાજ્યભરની અદાલતી કામકાજ ઠપ : ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટારે રાજ્યભરની અદાલતોમાં ગાઈડલાઈન મોકલી,સોશીયલ ડિસ્ટન્સીંગનું કડક પાલન

અમદાવાદ,તા.૨૮ : અમદાવાદ સહિત રાજ્યભરની જિલ્લા કોર્ટોમાં અદાલતી કામકાજ વિડિયો કોન્ફરન્સીંગ દ્વારા ચાલુ કરવા માટે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટરે આજે ગાઈડલાઇન બહાર પાડી છે. કોરોના મહામારી અને લોકડાઉનની સ્થિતિને લીધે રાજ્યભરની અદાલતોનું કામકાજ છેલ્લા ત્રણ માસથી ઠપ હતું. આગામી ૧લી જુલાઈથી પુરતી સાવચેતી સાથે રાજ્યભરની અદાલતોમાં મર્યાદિત રીતે કામકાજ શરૂ થવાની સંભાવના છે. રાજ્યભરમાં કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને લાદવામાં આવેલ લોકડાઉન બાદ છેલ્લા ૩ માસથી રાજ્યભરની અદાલતી કામકાજ ઠપ થઈ ગયું હતું. ૧લી જુનથી રાજ્યમાં અનલોક કરવામાં આવ્યું હતું પરંતુ અદાલતોને કામકાજ કરવાની છૂટ આપવામાં આવી ન હતી. હાઈકોર્ટ રજિસ્ટરે આપેલ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ કોરોનાના વધતા જતા પોઝિટિવ કેસોને જોતા હાલની સ્થિતિમાં અદાલતમાં ફિઝિકલ કામકાજ કરવું હિતાવહ નથી.

            જે કેસોમાં જેમકે લેન્ડ લીકવિકેશન મોટર વ્હીકલ, છૂટાછેડાના સેટલમેન્ટ કેસ અને મેન્ટેનન્સના કેસોમાં જો વ્યક્તિની રૂબરૂ હાજરીની જરૂરિયાત હોય તેવા કેસોમાં એક અલાયદા રૂમમાં પુરતુ સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન કરવા સાથે મર્યાદિત સંખ્યામાં જ વ્યક્તિને હાજર રહેવા દેવામાં આવે. મોટર વ્હિકલ અને અન્ય પાંચ પેમેન્ટને લગતા કેસોમાં ધીમે ધીમે વધારો કરવામાં આવે. મોટર વ્હીકલ, લેન્ડ લીકવીડેશન, મેન્ટેનન્સ, ફેમીલી કોર્ટની મેટરમાં શક્ય હોય તો કોર્ટ અને ટ્રેઝરી ધ્વારા આરટીજીસી ધ્વારા અથવા ઈલેક્ટ્રોનિક મોડ ધ્વારા રકમ ચુકવવાની વ્યવસ્થા કરવી. આ સિવાય તમામ કેસોની સુનવણી અને દલીલો વિડિયો કોન્ફરન્સીંગ ધ્વારા અદાલતમાં કરવામાં આવે. જેમાં બે પક્ષકારો વચ્ચે સમાધાનની વાત હોય કે ફરિયાદ પાછી ખેંચવા માગતા હોય કે અરજી કાઢી નાખવાની હોય તે તમામ કેસની કાર્યવાહી વીડિયો કોન્ફરેન્સીંગ દ્વારા મર્યાદિત હાજરીમાં કરવાની રહેશે અને સોશીયલ ડિસ્ટન્સીંગનું કડક પાલન કરવાનું રહેશે. અદાલતના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ એક કે બે રૂમમાં વીડિયો કોન્ફરન્સીંગની વ્યવસ્થા કરવાની રહેશે.

(10:32 pm IST)