Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લોકડાઉનમાં લોકલાગણી મુજબ વધુ છુટછાટ અપાશે

અશ્વિનીકુમાર કહે છે લોકોએ નવી જીવનશૈલીને સમજદારીપૂર્વક અપનાવી : દેશમાંથી કુલ ૩૧ લાખ પરપ્રાંતીયો વતનમાં ગયા, તે પૈકી ૧૦.૧પ લાખ ગુજરાતમાંથી મોકલાયા

ગાંધીનગર તા. ૨૨ : રાજ્ય સરકારે લોકડાઉનના ચોથા ચરણમાં તા. ૧૯ મે થી કેટલીક છૂટછાટો આપ્યા બાદ હજુ પણ લોકલાગણી અને જરૂરીયાત મુજબ વધુ કેટલીક છૂટછાટ આપવાની તૈયારી હોવાનો નિર્દેશ મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે કર્યો છે.

અશ્વિનીકુમારે આજે બપોરે રાબેતા મુજબના મિડીયા વાર્તાલાપમાં જણાવેલ કે, કોરોનાની મહામારી વચ્ચે વેપાર-ધંધા જળવાઇ રહે તે માટે સરકારે શરતો સાથે છૂટછાટ આપી છે. લોકોએ પણ નવા માહોલમાં જવાબદારીને સમાજદારી પૂર્વક સ્વિકારી છે. પ્રથમ દિવસે કેટલાક ભીડના દ્રશ્યો સર્જાયેલ. ત્યારબાદ વાતાવરણ સામાન્ય બની રહ્યું છે. લોકો માસ્ક પહેરવાની અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. લોકો પોતાની અને અન્યની કાળજી લઇને આર્થિક પ્રવૃત્તિ કરે તેવો સરકારનો હેતુ છે. સરકારે છૂટછાટ આપી છે અને હજુ પણ જેમ સમય આગળ જાય તેમ લોકોની અપેક્ષા અને જરૂરીયાત મુજબ વધુ છૂટછાટ આપવા સરકાર તત્પર છે. દૂધ, કરિયાણા જેવી આવશ્યક ચીજવસ્તુની વેચાણ કરતી દુકાનોને ઓડ-ઇવન પધ્ધતિ લાગુ પડશે નહિ આવી દુકાનો કાયમ ચાલુ રાખી શકાશે.

શ્રી અશ્વિનીકુમારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના 'હું પણ કોરોના વોરિયર' અભિયાનનો ઉલ્લેખ કરી તેમાં પણ લોકોના સહકારની અપેક્ષા વ્યકત કરેલ. તેમણે ઉમેર્યું હતું કે, શહેરી વિસ્તારમાં સવારે ૮ થી ૬ અને હાઇવે પર ૨૪ કલાક પેટ્રોલ પંપ ખુલ્લા રાખી શકાશે. દેશમાંથી અત્યાર સુધીમાં કુલ ૩૧ લાખ જેટલા પરપ્રાંતિયોને પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી ૧૦.૧૫ લાખ પરપ્રાંતિયો એકલા ગુજરાતમાંથી ગયા છે. ૬૯૯ ટ્રેન ગુજરાતથી રવાના થઇ ચૂકી છે. આજે મધરાત સુધીમાં વધુ ૫૫ ટ્રેન ઉપડશે. રાજ્યના તમામ વર્ગના લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. જનજીવન રાબેતા મુજબ પુનઃ ધબકતુ થઇ રહ્યું છે.

મુખ્યમંત્રીના સચિવે રેશનકાર્ડ પર અપાયેલા અને અપાઇ રહેલા અનાજ વિતરણની આંકડાકીય માહિતી આપી નાગરિક પુરવઠા વિભાગની પ્રશંસા કરી હતી.

(3:54 pm IST)