Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

દરરોજના ૪૦૦૦ થી વધુ ટેસ્ટીંગ થાય છે, લોકોની રોગપ્રતિકાર શકિત વધારવા પર ભાર : નીતિન પટેલ

તંદુરસ્ત રહો તો જીતશો, કોરોના હારશેઃ નાયબ મુખ્યમંત્રીની અકિલા સાથે વાતચીત : લક્ષણો દેખાય એના જ ટેસ્ટીંગ : જનસમુહની પ્રતિકારક શકિત (હર્ડ ઇમ્યુનિટી) વધશે એટલે મહામારીની અસર નહિ દેખાય

રાજકોટ તા. ૨૨: રાજ્યમાં આરોગ્ય વિભાગનો  હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંકડો ઓછો બતાવવા  ટેસ્ટીંગ ઓછા કરાયાનું નકારી પુરતા પ્રમાણમાં ટેસ્ટીંગ થતા હોવાનું જણાવ્યુ છે. તેમણે લોકોને આરોગ્યની બાબતમાં સ્વયં જાગૃત રહેવા અપીલ કરી  સરકાર હર્ડ ઈમ્યુનીટિ પર ભાર મુકતી હોવાનો નિર્દેશ કર્યો છે.

શ્રી નીતિન પટેલે આજે અકિલા સાથેની વાતચીતમાં એક પ્રશ્નના જવાબમાં જણાવેલ કે જેને કોરોનાના લક્ષણ હોય તેના જ ટેસ્ટ કરવાની કેન્દ્રની ગાઇડલાઇન છે. તે મુજબ ગુજરાતમાં રોજ  ૪ થી ૫ હજાર લોકોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. જેને કોરોના માલૂમ પડે તેને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. સરકારે ટેસ્ટીંગ ઘટાડ્યા નથી.

નાયબ મુખ્યમંત્રીએ જણાવેલ કે કોરોનાની કોઇ રસી કે દવા શોધાયેલ ન હોવાથી લોકો પોતાની રોગપ્રતિકારક શકિત વધારે એ જ અત્યારની જરૂરીયાત છે. ફાયદાકારક ઉકાળા પીવા, તબીબી સલાહ મુજબ ગોળીઓ ખાવી તેમજ માસ્ક પહેરવો, સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખવુ વગેરે જરૂરી છે. હું પોતે પણ રોજ ઉકાળો પીવ છું. જન સમૂહની રોગપ્રતિકારક શકિત વધશે તો કોરોનાની શકિત આપોઆપ ઘટશે. વ્યકિતની પોતાની તંદુરસ્તી સારી હોય તો કોરોના થઇને મટી જાય તો પણ ખબર નહી પડે. મહામારીની પરિસ્થિતીમાં લોકોને   ઉપયોગી થવા સરકાર શ્રેણીબધ્ધ પગલા લઇ રહી છે.

(12:40 pm IST)