Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કુલીઓની દયનીય હાલતથી વડોદરા કલેકટર-પોલીસ કમિશ્નર દ્રવી ઉઠયા

અનુપમસિંહ ગેહલોત-શાલીની અગ્રવાલ દ્વારા ૧૮૦ પરીવાર માટે ખાદ્ય સામગ્રીનું વિતરણ

રાજકોટ, તા., ૨૨: કોરોના વાયરસને કારણે તમામ જાતનો વાહન વ્યવહાર ઠપ્પ થવા સાથે ટ્રેનોના પૈડા થંભી જતા લોકોને તો  મુશ્કેલી પડે એ સ્વભાવિક છે. પરંતુ સૌથી વધુ કોઇની હાલત દયનીય બની હોય તો તે રેલ્વે સ્ટેશન પર મુસાફરોના માલસામાન ઉપાડતા કુલીઓની બની છે. સ્વભાવિક રીતે મુસાફરો પર જ પોતાનો અને પોતાના પરીવારની રોજગારીનો આધાર હોય આવા કુલીઓની કપરી હાલત જોઇ વડોદરાના કલેકટર અને પોલીસ કમિશ્નર દ્રવી ઉઠયા અને આવા કુલીઓના ૧૮૦ થી વધુ પરીવાર માટે ખાસ સામગ્રીનું વિતરણ કરતા કુલી ભાઇઓ પણ કલેકટર શાલીની અગ્રવાલ અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની માનવતાથી ગદગદીત થઇ ઉઠયા.

કુલીઓ બંન્ને અધિકારીઓની પ્રસંશા કરતા થાકતા નથી તેઓ સવાલ કરાતા ઉકત બાબતે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે  જણાવેલ કે કુલીઓએ પરપ્રાંતીયોની વિશેષ ટ્રેનો સમયે તંત્રને જે રીતે મદદ કરી તેની આગળ અમારી સેવા તો ખુબ નાની છે.

કલેકટર શાલીની અગ્રવાલે જણાવેલ કે  પરપ્રાંતીય શ્રમીકોને ફુડ પેકેટ ઇત્યાદી વિતરણમાં કુલી ભાઇઓ તથા મુકાદમોએ  રાત-દિવસ જોયા વગર કાર્યવાહી કરી છે એવા સમયે તેમની રોજગારી બંધ હોય અને  અમે મદદરૂપ ન થઇએ તો કેમ ચાલે? નાયબ કલેકટર ખ્યાતી પટેલે જણાવેલ કે કુલી ભાઇઓ માટેની કીટમાં આવશ્યક વસ્તુઓનો સમાવેશ કર્યો છે.

(11:45 am IST)