Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના 12 ઈન્ટર્ન ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો

છેલ્લા 5 દિવસમાં 12 જેટલા ઈન્ટર્ન ડોક્ટરો કોરોનાની ઝપેટમાં આવતા હડકંપ

અમદાવાદના તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના 12 જેટલા ઈન્ટર્ન ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો છે  છેલ્લા 5 દિવસમાં 12 ઈન્ટર્ન ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે. આજે વધુ બે ઈન્ટર્ન ડોક્ટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ ઈન્ટર્ન તબીબો કોવિડ 1200 બેડ હોસ્પિટલ અને બહાર ક્વોરેન્ટાઈન થયેલા દર્દીઓની સારવાર કરે છે.

16 મેથી અમદાવાદની બીજે મેડિકલ કોલેજના સતત એક બાદ એક ઈન્ટર્ન ડોક્ટરો કોરોનાના શિકાર થઈ રહ્યા છે. સિવિલમાં આવેલી 1200 બેડ હોસ્પિટલમાં દર્દીઓના કોરોના ટેસ્ટ કરવાનું કામ ઈન્ટર્ન ડોક્ટરોના શિરે છે. ત્યારે છેલ્લા 5 દિવસમાં 12 જેટલા ઈન્ટર્ન ડોક્ટરો કોરોનાની ઝપેટમાં આવતા હડકંપ મચ્યો છે.

 આશરે 250 જેટલા ઈન્ટર્ન ડોક્ટરો કોરોનાની સારવાર માટે સતત કોવિડ હોસ્પિટલમાં જોડાયેલા રહ્યા છે. આવી કફોડી સ્થિતિમાં મૂકાયેલ ઈન્ટર્ન ડોક્ટરોએ ફરિયાદ કરી છે કે, પ્રથમ અને બીજા વર્ષના રેસિડેન્ટ ડોક્ટરો સિવાય કોઈ સિનિયર રેસિડેન્ટ અથવા પ્રોફેસરો દર્દીઓની સારવાર કરતા નથી. ઈન્ટર્ન ડોક્ટરો અને પ્રથમ સને બીજા વર્ષના રેસિડેન્ટ ડોકટરો સતત કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. અગાઉ કોરોનાના દર્દીઓની સારવાર બાદ ઈન્ટર્ન ડોકટરોને ક્વોરેન્ટાઈન ટાઈમ 14 દિવસનો અપાતો હતો, જે હવે ઘટાડીને માત્ર 5 દિવસ કરી દેવાયો છે.

(10:34 am IST)