Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

વડોદરામાં મ્યુનિસિપાલ્ટીની બેદરકારીના કારણોસર ગેંડા સર્કલ નજીક પાણીની ફીડર લાઈનમાં ભંગાણ પડતા પાણીની રેલમછેલ થતા ચોમાસાનો નજારો છવાયો

વડોદરા: શહેરમાં હાલ કોરોનાના કહેર વચ્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે શહેરના ગેંડા સર્કલ પાસે પાણીની ફિડર લાઈનમાં મોટું ભંગાણ પડતાં પાણીની રેલમછેલ થઇ છે અને ચોમાસા જેવું દ્રશ્ય સર્જાયું છે.

લિકેજના કારણે હજારો લીટર પાણીનો બગાડ થયો છે અને પાણી નકામુ ગટરમાં વહી ગયું છે. લીકેજ કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા હાલ કોરોનાના લીધે કોર્પોરેશનનું તંત્ર સફાઈ કામગીરીમાં લાગ્યું છે ત્યારે હાલના રોગચાળાના માહોલમાં આ રીતે ગંદકી ફેલાય તે જોખમી છે.

દરમિયાન કોર્પોરેશનના વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું કે વડીવાડી ટાંકી ગેંડા સર્કલ થઈ બરોડા પીપલ્સ તરફ જતી પાણીની 18 ઇંચની લાઈનમાં ભંગાણ પડવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને કોર્પોરેશન દ્વારા તાત્કાલિક રીપેરીંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

(5:20 pm IST)