Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

આવશ્યક સેવા સિવાયની તમામ સરકારી કચેરીઓ ૧૪ એપ્રિલ સુધી બંધ રહેશે

કોર્પોરેશન, કલેકટર, પાણી પુરવઠા, ગેસ, વિજળી વગેરેની કચેરીઓ ચાલુ

ગાંધીનગર, તા. ૨૫ : દેશમાં ૨૧ દિવસ લોકડાઉનના પગલે રાજય સરકારે આવશ્યક સેવા સિવાયની તમામ કચેરીઓ ૧૪ એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ અંગે આજે સામાન વહીવટના અગ્રસચિવ કમલ દયાનીની સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

હવે રાજય સરકારની કચેરીઓ, સ્વાયત્ત સંસ્થાઓ, નિગમો સહિતની આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ તમામ કચેરીઓ તા.૨૫-૩-૨૦ની અસરથી ૨૧ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરેલ છે.

કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના ચેપને નિયંત્રણ કરવા સાથે સીધા સંકળાયેલ કર્મચારીઓ/ અધિકારીઓ તેમજ આવશ્યક/ તાત્કાલીક સેવાઓ સાથે સંકળાયેલ વિભાગો/ કચેરીઓ જેવી કે આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ તેમજ તેઓને સંલગ્ન કચેરીઓ, અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ અને તેઓને સંલગ્ન કચેરીઓ, કલેકટર કચેરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલ કચેરીઓ, પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ (આવશ્યક/ તાત્કાલીક પ્રકારની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારી / અધિકારીઓ), ગેસ, વીજ વિતરણ કરતી કંપનીઓ, પાણી પુરવઠા સાથે સંકળાયેલ સંલગ્ન કચેરીઓ, પોલીસ તંત્ર વગેરે જેવી કચેરીઓને લાગુ પડશે નહિં તેમ પરિપત્રમાં જણાવાયુ છે.

રાજય સરકાર નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી જાહેર હિતમાં રાજય સરકારની આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ સરકારી કચેરીઓ સિવાયની તમામ કચેરીઓ તા.૨૫-૩ થી તા.૧૪-૪ સુધી બંધ રહેશે. પરંતુ અપવાદરૂપ સંજોગોમાં વિભાગના સચિવ અને જિલ્લા કલેકટર સ્વવિવેકાનુસાર કોઈ કચેરી જરૂરીયાત મુજબ ન્યુનતમ કર્મચારીઓ સાથે ચાલુ રાખી શકશે. તેમ પરીપત્ર જણાવે છે.

(3:24 pm IST)