Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજયમાં દૂધ - શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સરળતાથી મળતો રહેશેઃ ટાસ્કફોર્સની રચનાઃ રોજ બપોરે સમીક્ષા

રાજયમાં ૬૪ શાકમાર્કેટો કાર્યરતઃ રોજ ૫૫ લાખ પાઉચ દૂધનું વિતરણઃ ૧૬૦૦ અમૂલ પાર્લર ધમધમે છે : રોજ સવારે ૧૦ વાગ્યે અને રાત્રે ૮ વાગ્યે ડો.જયંતિ રવી માહિતી દેશે : પોલીસ વડા રોજ ૪ વાગે કાયદો વ્યવસ્થા અંગેની જાણકારી આપશે

અમદાવાદઃ વિશ્વવ્યાપી મહામારી કોરોનાને પરિણામે રાજયમાં સર્જાયેલી કોરોના વાયરસ-કોવિડ-૧૯ની પરિસ્થિતીમાં નાગરિકો સલામત અને પોતાના ઘરમાં જ રહિ સુરક્ષિત રહે તે માટે તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધી સમગ્ર રાજયમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ દિવસો દરમિયાન નાગરિકો-પ્રજાજનોને જીવન જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો નિયમીત મળી રહે તેમજ આવશ્યક સેવાઓ સતત ચાલુ રહે તે હેતુસર કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.

આ કોરોના વાયરસની બિમારી સામેના નિયંત્રણ અને તકેદારીના પગલાંઓ, આરોગ્ય તથા કાયદો વ્યવસ્થા સ્થિતીની સમીક્ષા વગેરે માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રચેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર અને રાજય નાગરિક પુરવઠા સચિવ મોહમ્મદ શાહિદે આ નિર્ણયોની જાણકારી પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, મુખ્યમંત્રીએ રાજયના કોઇપણ વિસ્તાર, જિલ્લા-નગર-ગામ-મહાનગરમાં કયાંય કોઇ નાગરિક-પ્રજાજનોને દૂધ, શાકભાજી, કરિયાણું, ખાદ્યાન્ન પુરવઠો મેળવવામાં મુશ્કેલી ન પડે તેની સમગ્ર દેખરેખ અને નિયંત્રણ માટે પાંચ વરિષ્ઠ અધિકારીઓની ટાસ્ક ફોર્સની રચના કરી છે.

તદ્દઅનુસાર, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ, મુખ્યમંત્રીના સચિવ, નાગરિક પુરવઠા નિગમના એમ.ડી, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર અને એ.પી.એમ.સી. નિયામક તેમજ અન્ન નિયંત્રક અમદાવાદની આ કમિટી લોકડાઉનની પરિસ્થિતીમાં જીવન આવશ્યક જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો નાગરિકોને સરળતાએ મળી રહે, કોઇ ચીજવસ્તુના નિર્ધારીત ભાવથી વધુ ભાવ ન લેવાય તેમજ સંગ્રહખોરી ન થાય તે અંગેની કાળજી પ્રવર્તમાન પરિસ્થિતીમાં વિશાળ જનહિતને ધ્યાને રાખીને લેશે.

આ ટાસ્કફોર્સની બેઠક દરરોજ બપોરે ૧ર વાયે મળશે અને પુરવઠાની સ્થિતીના સમીક્ષા કરશે. જિલ્લાકક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારી આ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરશે તેમણે કહ્યું કે, શાકભાજી અને ફળફળાદિનો પુરતો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા ગોઠવાયેલી છે. રાજયમાં આજની તારીખે ૬૪ શાકભાજી માર્કેટ કાર્યરત છે તેમજ દૂધ, શાકભાજી, ફળફળાદિ, અનાજ, કરિયાણાના પુરવઠામાં કોઇ જ દુવિધા નથી.રાજયમાં રોજનું અંદાજે પપ લાખ લિટર દૂધ પાઉચનું વિતરણ થાય છે. આ પુરવઠો પણ બેરોકટોક મળતો રહેશે. ગુજરાતમાં ૧૬૦૦ જેટલા અમૂલ પાર્લરમાંથી ૧ હજાર જેટલા પાર્લર ૪ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં કાર્યરત છે. ૬૦૦ જેટલા પાર્લર નાના નગરો-ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. આ બધા જ પાર્લર ચાલુ છે અને દૂધનો સપ્લાય ત્યાં ઉપલબ્ધ રહેશે તેમ પણ મુખ્યમંત્રીના સચિવએ ઉમેર્યુ હતું. સચિવ અશ્વિનીકુમારે વધુ વિગતો આપતાં એમ પણ જણાવ્યું કે, આ કોરોના વાયરસનો વ્યાપ લોકોના એકબીજાના સંપર્કથી ફેલાતો હોય છે. આની તકેદારી રાખીને રાજયમાં લોકો મોટા પ્રમાણમાં કયાંય એકત્ર ન થાય, ભીડભાડ ન થાય અને સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સમગ્ર રાજયમાં બસ સેવાઓ સહિતની ટ્રાન્સપોર્ટ સેવાઓ, આવશ્યક સેવાઓ સિવાયની કચેરીઓ-સંસ્થાઓ પણ તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધી બંધ રાખવાનો રાજય સરકારે નિર્ણય કરેલો છે.

મુખ્યમંત્રીના સચિવએ અશ્વિની કુમારે એમ પણ જણાવ્યું કે રાજયની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો, કોલેજોના પ્રાધ્યાપકોએ પણ તા. ૩૧-૩-ર૦ર૦ સુધી શાળા-કોલેજ જવાનું રહેશે નહિ. જિલ્લાની ડી.પી.ઓ. અને ડી.ઇ.ઓ. કચેરીઓ પણ બંધ રહેશે.

રાજયમાં કોરોના વાયરસની સ્થિતીની યોગ્ય અને સાચી માહિતી લોકો સુધી પહોચી શકે તે માટે નિયમીતપણે મિડીયાને બ્રિફીંગ કરવાની વ્યવસ્થાઓ પણ મુખ્યમંત્રીના દિશાનિર્દશ અનુસાર સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ અંગેની જાણકારી આપતાં માહિતી સચિવએ ઉમેર્યુ કે, કોરોના વાયરસ અંગે આરોગ્ય વિભાગ સંબંધિત વિગતો આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડો. જયંતિ રવિ દરરોજ સવારે ૧૦ અને રાત્રે ૮ કલાકે મિડીયાને આપશે.

કાયદો વ્યવસ્થા અને લોકડાઉન અમલીકરણ અંગેની વિગતો પોલીસ મહાનિર્દેશકશ્રી રોજ બપોરે ૪ કલાકે આપશે તેમજ જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સ્થિતી અને અન્ય અગત્યના નિર્ણયોની માહિતી દરરોજ બપોરે ર વાગ્યે માહિતી સચિવશ્રી અને અન્ન નાગરિક પુરવઠા સચિવશ્રી મિડીયાને આપશે.

મુખ્યમંત્રીએ રાજયમાં સર્જાયેલી આ કોરોના વાયરસની સ્થિતીની રોજબરોજની વિગતો, મહત્વના નિર્ણયો તથા સર્વગ્રાહી સમીક્ષા માટે કોર કમિટીની રચના પણ કરી છે.

નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય રાજયમંત્રીશ્રી તેમજ મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવોની આ કોર કમિટીની બેઠક રોજ સાંજે પાંચ કલાકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળશે તેમ પણ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

બ્રિફીંગ દરમિયાન નાગરિક પુરવઠા નિગમના કાર્યકારી એમ.ડી.તુષાર ધોળકીયા, માહિતી નિયામક શ્રી અશોક કાલરિયા તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(1:09 pm IST)
  • મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે પ્રથમ મોત:મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે એક મહિલાનું મોત નિપજ્યું: જમ્મૂ કશ્મીરમાં કોરોનાના 4 પોઝિટીવ કેસ જોવા મળ્યા હતા access_time 12:26 am IST

  • અમેરિકાએ ૨ ટ્રિલીયન ડોલરનું પેકેજ જાહેર કર્યુઃ અમેરિકી સંસદ અને રાષ્ટ્રપતિ વચ્ચે કોરોનાને નાથવા સમજૂતી access_time 12:04 pm IST

  • પોરબંદરમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો આજે કુલ ૧૨ને ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા તે પૈકી ૧ને કોરોનાના લક્ષણો દેખાતા તેના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવતા તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો access_time 5:32 pm IST