Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

આતંકવાદીઓ - ખંડણીખોરોને પકડવા કાર્યરત રાજ્યની ક્રાઇમ બ્રાંચો લોકોને મદદરૂપ થવા કાર્યરત

અમદાવાદ - સુરત ક્રાઇમ બ્રાંચના વડા અજયકુમાર તોમર અને એચ.આર.મુલિયાણા વર્ણવે છે રસપ્રદ વાતો : એકલા રહેતા સિનિયર સિટિઝનો દ્વારા મેસેજ મળ્યે પોલિસ તેમના ઘરે જઇ મદદ કરે તેવી વ્યવસ્થા ગોઠવતા અમદાવાદ - રાજકોટ - વડોદરા અને સુરત પોલિસ કમિશ્નર

રાજકોટ તા.૨૫:  જનતા કર્ફયુ બાદ વડાપ્રધાન દ્વારા  ૨૧ દિવસના  સમગ્ર દેશમાં લોકડાઉનના પગલે સમયગાળો ખૂબજ મોટો હોવા છતા જરૂરી હોવાથી પોલિસ તંત્ર અને  લોકો વચ્ચે આવા  તનાવભર્યા વાતાવરણમાં બિનજરૂરી સંઘર્ષ ન થાય , લોકોને મુશ્કેલીના સમયમાં સમયસર મદદ મળી રહે તે બાબત ધ્યાને લઇ  રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા બે એડીશ્નલ ડીજીપી કક્ષાના અધિકારીઓને જવાબદારી સુપ્રત કરી છે. આની સાથોસાથ આતંકવાદીઓ , સ્લિપરસેલના  સભ્યો, ગેંગસ્ટરો, ખંડણીખોરો અને માથાભારે ગુન્હેગારોને  કંટ્રોલમાં રાખવાનુ કાર્ય કરતી અમદાવાદ, વડોદરા, સુરત અને  રાજકોટએ લોકોને મુશ્કેલીના સમયમાં તમામ મદદ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે.

અમદાવાદના સ્પેશ્યલ પોલિસ કમિશ્નર  (ક્રાઇમ) અજયકુમાર તોમરે જણાવેલ કે , અત્યારે અમારી ભુમિકા કોરોના વાયરસ સંદર્ભે લોકોને કોઇ જાતની મુશ્કેલી ન પડે, જીવનજરૂરી ચિજ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય, બિનજરૂરી ભીડ ન થાય તેની પ્રાથમિકતા છે. તેઓએ હસતાં હસતાં જણાવેલ કે  આનો મતલબ એ નથી કે અમારી મુળ ફરજ  નહી બજાવીએ. આજ રીતે સુરતના એડીશ્નલ પોલિસ કમિશ્નર (ક્રાઇમ) એચ.આર. મુલીયાણે પણ ખાસ વય્વસ્થા ગોઠવી છે. લોકો કયાંય ભુખ્યા ન રહે તે માટે ક્રાઇમ બ્રાંચ  અને ટ્રાફિક પોલિસની મદદ તથા એનજીઓ મારફત  વ્યવસ્થા કરી છે.

રાજકોટના પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે ખાસ ફોકસ કર્યુ છે. એકલા રહેતા આવા  સિનીયર સિટીઝનોનો સર્વે કરી કંટ્રોલ રૂમમાં ફોન આવ્યે આવા  સિનિયર સિટિઝનોને ઘેર પોલીસ જશે. તેઓને દવા કે બીજી કોઇ  મુશ્કેલી હશે તો  મદદ કરશે. અમદાવાદના  પોલિસ કમિશ્નર  આશિષ ભાટિયા અને વડોદરાના પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા સુરતના પોલિસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટે પણ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે.

(12:27 pm IST)