Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ગુજરાતના ૨૫% દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના કારણે કોરોનાથી સંક્રમિત, ઘરમાં 'બંધ' રહેવા અપીલ

નવી દિલ્હી, તા.૨૫: ગઇકાલે છ નવા કેસ નોંધાતા, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો ૩૫ પર પહોંચ્યો છે. જે નવા કેસ નોંધાયા છે તે સુરત, ગાંધીનગર અને રાજકોટના છે. ૩૫ કેસમાંથી ૯ એટલે કે ૨૫ ટકા કેસ લોકલ ટ્રાન્સમિશનના છે.

મંગળવારે સવારે પોતાના નિવેદનમાં રાજયના આરોગ્ય વિભાગે સુરતમાં બે અને ગાંધીનગરમાં બે એમ કુલ ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા હોવાની પુષ્ટિ કરી હતી. જયારે સાંજે રાજકોટમાં વધુ બે કેસ નોંધાયા હોવાનું જણાવ્યું હતું. મંગળવારે કુલ ૧૧૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી ૯૭ના ટેસ્ટ કરાયો હતો અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. સોમવારે રાત્રે અન્ય ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા.

સુરતના બે દર્દીઓ હાલમાં જ વિદેશમાં પ્રવાસ કરીને પરત આવ્યા છે, જેમાં ૩૨ વર્ષનો યુવક દુબઈથી જયારે ૬૬ વર્ષના વૃદ્ઘ સાઉદી અરેબિયાથી આવ્યા છે.

રાજયના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, ગાંધીનગરના બંને કેસ સ્થાનિક ટ્રાન્સમિશનના છે. રાજયના પાટનગરમાં એક પુરુષ (૫૩) અને મહિલા (૫૨)નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

રાજકોટમાં નોંધાયેલા બે કેસમાંથી ૩૬ વર્ષનો યુવક દુબઈથી પરત ફર્યો હતો અને અન્ય ૭૫ વર્ષીય મહિલાને લોકો દ્વારા ચેપ લાગ્યો હતો.

COVID 19 સામેની લડાઈ

આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, દરેક મંત્રીઓએ પોતાના એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ભંડોળમાં આપવાનો નિર્ણય લીધો છે. અન્ય દાતાઓ પણ સરકારની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે.

પબ્લિક હેલ્થકેર

રાજયની સરકારી હોસ્પિટલોમાં બહારથી આવતા દર્દીઓ માટે સારવાર ઉપલબ્ધ રહેશે.

દર્દીઓની દેખરેખ

આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો. જયંતિ રવીએ કહ્યું કે, કોરોના વાયરસની સાવચેતીના ભાગરૂપે ૨૯-૩૦ લાખ લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે. જે વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યાં વધારે ધ્યાન અપાશે.

(12:26 pm IST)