Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ત્રણ વ્યકિત મસ્જીદમાં જમાત કરી લો અન્ય લોકો ઘરમાં પઢે : ધર્મગુરૂની અપીલ

અમદાવાદ, તા. રપ : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ઝડપથી ફેલાઇ રહી છે. લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે. હજી સુધી આ રોગને કાબુમાં રાખવા કોઇપણ દવા ક વેકસિન બનાવવામાં સફળતા મળી નથી. આવી પરિસ્થિતિમાં આ વાયરસ સામે જંગ જીતવા તકેદારી રાખવા સાથે અલ્લાહ અને ઇશ્વરની મદદ અને ગુનાઓથી તોબા તથા દુનિયાના પાલનહારને રાજી કરવો એ જ એક રસ્તો છે. એમ માહદ્દીસે આઝમ મિશનના ટ્રસ્ટી અને અગ્રણી શૌકતખાન અશરફીએ જણાવી હાલની ઉભી થયેલી પરિસ્થિતિમાં મુસ્લિમોએ શું કરવું તે અંગે શૈખુલ ઇસ્લામ સૈયદ મુહમ્મદ મદનીમિયાં અને અહમદાબાદની શાહી જામા મસ્જિદના ઇમામ મુફતી શબ્બીર અહેમદ સીદ્દીકી સાથે મસ્જિદમાં જમાત સાથે નમાઝ કઇ રીતે અદા કરવી ? તે અંગે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. હઝરત શૈખુલ ઇસ્લામે ફરમાવ્યું. મસ્જિદમાં લોકો નમાઝ પઢવા વુઝુ કરી પાક સાફ થઇ જતાં હોય છે. એટલે કોઇપણ બીમારી ફેલાવવાની શકયતા નહીંવત રહે છે. પરંતુ કોરોના વાયરસ સંપર્કથી અને સ્પર્શથી રોકેટની ગતિથી ફલાતી બીમારી છે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે માટે જે સરકારે એકઠા થવાની મનાઇ ફરમાવી છે. હવે આવા સંજોગોમાં ૩ માણસ હોય તો પણ મસ્જિદમાં જમાત થઇ શકે છે. તો આપણે સમજદારીથી કામ લેવું જોઇએ અને બાકીના લોકો ઘરમાં જમાતથી નમાઝ પઢે તો તેમાં કોઇ હરજ નથી. આ લોકડાઉન પૂરતું જ છે. છતાં લોકો પ્રશાસનની સંમતિથી ઘરે વુઝુ બનાવી ફરજ નમાઝ અદા કરવા મસ્જિદમાં જઇ શકે છે, પરંતુ પ્રશાસન સાથે ઝઘડો કરી ટકરાવ કરી કે સંઘર્ષ કરી વાતાવરણને ડહોળી નમાઝ અદા કરવા જવું તે આપણા સૌના હિતમાં નથી. તેવી જ રીતે નમાઝે જુમ્આ અદા કરવા પ્રશાસનની મંજૂરી લઇ કે પોલીસની સંમતિ લઇને જ મોહલ્લાની મસ્જિદમાં જ નમાઝ પઢવા જવું.

(11:51 am IST)