Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકોને જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ રહી છે

ચિંતા ન કરો, એકથી વધુ વિકલ્પો વિચારાધીન : વિજયભાઇ : કોરોના માટે ખાસ મુખ્યમંત્રી રાહત ફંડ, દાનની અપીલ : રેશનકાર્ડ ધારકોને માર્ચનું અનાજ અપાઇ ગયુ છે, એપ્રિલનું અનાજ આપવા માટે વ્યવસ્થા વિચારાઇ રહી છે : સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ સાવચેતીપૂર્વક લેવા માટે ચકાસાતી શકયતા

રાજકોટ તા. ૨૫ : ગઇકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ વ્યાપી લોકડાઉન જાહેર કર્યું છે. ગુજરાતમાં તે પૂર્વેથી જ તા. ૩૧ સુધીનો લોકડાઉન જાહેર કરવામાં આવેલ. હવે વડાપ્રધાનની અપીલ મુજબ ૨૧ દિવસ સુધી લોકડાઉન રહેશે. બજારો બંધના સમયગાળામાં લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળતી રહે તે માટે રાજ્ય સરકારે કટીબધ્ધતા વ્યકત કરી છે.  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવેલ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ ૨૧ દિવસ દેશભરમાં લોકડાઉનનો નિર્ણય કર્યો તે સૌના હિતમાં છે. આ સમયગાળામાં લોકોને દૂધ, દવા, અનાજ - કરીયાણુ વગેરે જરૂરીયાત મુજબ મળતા રહે તે માટે રાજ્ય સરકાર વિતરણનું આયોજન કરી રહી છે. લોકોને ઘરની નજીકમાંથી નિયત સમયે ચીજવસ્તુઓ મળી રહે અથવા ઘર સુધી પહોંચાડવામાં આવે અથવા ઓનલાઇન મળે તે પ્રકારે એકથી વધુ વિકલ્પો વિચારાધીન છે. લોકોને જીવન નિર્વાહમાં કોઇ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા પસંદ કરીને તેનો અમલ કરવામાં આવશે. સરકાર આ અંગે ગોઠવણ કરી રહી છે. જીવન જરૂરી કોઇ વસ્તુની અછત સર્જાવા દેવામાં આવશે નહિ.

શ્રી રૂપાણીએ જણાવેલ કે, કોરોના સામેની લડતમાં સ્વૈચ્છીક સંસ્થાઓનો સહયોગ લેવાનું વિચારાઇ રહ્યું છે. લોકો ભેગા ન થાય તે બાબત મુખ્ય હોવાથી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા જળવાઇ રહે તે રીતે સાવચેતીપૂર્વક સ્વૈચ્છીક સંસ્થાઓનો સહયોગ લેવા માટેનું આયોજન સરકાર વિચારી રહી છે.

મુખ્યમંત્રીએ જણાવેલ કે, કોરોના સામના માટે કોઇપણ લોકો મુખ્યમંત્રી રાહત ફંડમાં પોતાનું યોગદાન આપી શકે છે. આ અંગે લોકો - સંસ્થાઓ આગળ આવે તેવી મારી અપીલ છે. દાન આપનારને નિયમ મુજબ આવક વેરામાંથી મુકિત મળવા પાત્ર છે. સરકારની અપીલને ગઇકાલથી જ સારો પ્રતિસાદ મળવાની શરૂઆત થઇ ચુકી છે.

(11:36 am IST)