Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉનને કારણે બસ-ટ્રેન બંધ થતાં અમદાવાદથી પગે ચાલી રાજસ્થાન જવા નીકળ્યા શ્રમિકો

અમદાવાદમાં કામધંધા ઠપ્પ થઇ જવાના કારણે હવે રાજસ્થાન જવા સિવાય કોઇ વિકલ્પ નથી રહ્યો

અમદાવાદ તા. ૨૫ : સમગ્ર ગુજરાતમાં ૩૧ માર્ચ સુધી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે રોજનું કમાઈને ખાનારા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. ગુજરાતથી પોતાના વતન જવા માટે બસ કે ટ્રેન ઉપલબ્ધ ન હોવાના કારણે આ શ્રમિકો અમદાવાદથી પગપાળા જ રવાના થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદમાં રાજસ્થાનના ડુંગરપુર, બાંસવાડા, ભિલવાડા જેવા જિલ્લામાંથી આવેલા હજારો શ્રમિકો વસે છે, જેઓ અત્યારે પોતાના વતન જઈ રહ્યા છે.

રાજસ્થાનના બાંસવાડા આવેલા અને અમદાવાદના પ્રહલાદનગરમાં એક સલૂનમાં નોકરી કરતા આવેલા ભૂવનેશ્વર મિણાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કામધંધા ઠપ્પ થઈ જવાના કારણે હવે રાજસ્થાન જવા સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો. ભૂવનેશ્વર સાથે રહેતા ૧૫ જેટલા રાજસ્થાનથી આવેલા લોકો પણ પોતાના વતન જવા રવાના થઈ રહ્યા છે. તેણે એમ પણ કહ્યું હતું કે બસ અને ટ્રેન બંધ થઈ ગયા હોવાથી અમદાવાદમાં રહી મજૂરીનું કામ કરતાં રાજસ્થાનના લોકો સાઈકલ, પગપાળા કે પછી બાઈક પર વતન જવા રવાના થઈ રહ્યા છે.

અમદાવાદથી રાજસ્થાન જવા નીકળેલા અન્ય એક વ્યકિતએ જણાવ્યું હતું કે જયાં સુધી લિફટ મળે ત્યાં સુધી વાહનમાં અન્યથા ચાલતા ઘણા લોકો રાજસ્થાન જવા માટે નીકળી ગયા છે. અમદાવાદમાં હાલ બધું બંધ હોવાથી જમવાના પણ ફાંફા થઈ જવાથી રાજસ્થાન પોતાના વતન જવા સિવાય કોઈ ઓપ્શન જ નથી રહ્યો.

ગઈકાલથી અમદાવાદથી રાજસ્થાન જવા લોકો મોટી સંખ્યામાં નીકળી રહ્યા છે. આવું જ એક જૂથ હિંમતનગર નજીક જોવા મળ્યું હોવાના ફોટોગ્રાફસ અને વિડીયો વાયરલ થયા છે. હાઈવે પર જોવા મળેલા આ લોકો માટે આસપાસના ગામવાળાં પાણી તેમજ જમવાની વ્યવસ્થા કરી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હિંમતનગરમાં પોલીસ પણ આવા લોકોની મદદે આગળ હોવાનું જાણવા મળી રહ્યું છે.(૨૧.૪)

 

(10:51 am IST)