Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કાલોલની ઇનોક્સ કંપનીમાં જાહેરનામાનો ભંગ: 200થી વધુ કામદારોને બોલાવી કામ ચાલુ રાખ્યું:તંત્રની કડક કાર્યવાહી

કંપનીના 3 મેનેજર અને એક એન્જિનિયર વિરુદ્ધ ગુનો દાખલ

 

પંચમહાલ જિલ્લાના કાલોલ ગામમાં ઇનોક્સ કંપનીમાં સરકાર દ્વારા કરાયેલા લોકડાઉન અને તે અંગેના જાહેર નામાનો ભંગ કર્યો હતો. જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરીને કંપનીમાં 200થી વધારે કર્મચારીઓને માત્ર કંપની પર બોલાવ્યા હતા પરંતુ કામ પણ ચાલુ રાખ્યું હતું. ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ પાસે અંગે પરવાનગી પણ નહોતી લેવાઇ જેના પગલે તેની વિરુદ્ધ જાહેરનામા ઉલ્લંઘનનો ગુનો દાખલ કરવામાં આવ્યો. કંપનીના 3 મેનેજર અને એક એન્જિનિયર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે રાજ્ય સરકારે 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત  કરી છે. જેના પગલે પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને તમામ જાહેરનામામાં ઉલ્લેખ હોય તેવા ઉદ્યોગોને બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જો કે ઇનોક્સ કંપનીને જાણે કોઇ અસર હોય તે પ્રકારે કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. સવારે કર્મચારીઓ એકત્ર થવા લાગ્યા હતા. જેની કાલોલ મામલતદારને જાણ થઇ હતી. જેથી તત્કાલ પોલીસને આદેશ આપીને કંપનીમાં તપાસ કરાવતા કામ ચાલુ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઇનોક્સ કંપનીના જનરલ મેનેજરસ સહિતનાં અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો હતો.

કંપનીના અન્ય પ્લાન્ટ્સમાં પણ તપાસ કરવામાં આવતા ત્યાં પણ 30-40 કામદારો કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ત્રણ મેનેજર અને એક એન્જિનિયર સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાલ ચારેયને ઝડપી લઇને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કોનાં આદેશથી કંપની ચાલુ રાખવામાં આવી અંગે પણ તપાસ ચલાવાઇ રહી છે

(12:40 am IST)