Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી મોકૂફ : ચર્ચા બાદ નિર્ણય થયો

કોરોનાના કહેરને ધ્યાનમાં લઇને નિર્ણય કરાયો : દેશભરમાં રાજયસભા માટેની તમામ ચૂંટણી મોકૂફ કરાઇ

અમદાવાદ,તા.૨૪ : કોરોનાના કહેરને કારણે ગુજરાતમાં રાજ્યસભાની તા.૨૬ માર્ચે યોજાનારી ૪ બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. હવે તા.૩૧ માર્ચ પછી ચૂંટણીની નવી તારીખ જાહેર કરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્ય સરકારની વિનંતિને ધ્યાનમાં લઈ નિર્ણય કર્યો છે. અલબત્ત, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે દેશમાં રાજયસભાની તમામ જે ૫૫ બેઠકોની ચૂંટણી યોજાવાની હતી, તે કોરોનાના કહેરને લઇને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાત કોંગ્રેસે પોતાના ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ ના થાય તે માટે તેમને જયપુર ખસેડ્યા હતા.

           દેશભરમાં વધી રહેલા કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને તેમજ લોકડાઉન વચ્ચે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને આજ સાંજે જયપુરથી અમદાવાદ પરત લાવવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસ તેમના ૫૫થી વધુ ધારાસભ્યોને ખાનગી ચાર્ટર્ડ વિમાન મારફતે ગુજરાત પરત લઇને આવી હતી. અગાઉ ભાજપ દ્વારા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરાયો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ થયો હતો અને તેના ભાગરૂપે જ તેના પાંચ ધારાસભ્યોએ રાજીનામા પણ આપ્યા હોવાનો કોંગ્રેસે આરોપ મૂકયો હતો. બીજીબાજુ, છેલ્લા છ દિવસથી અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં કોરોના વાઇરસનો કહેર બહુ ગંભીર રીતે પ્રવર્તી રહ્યો છે ત્યારે આજે રાજકીય હલચલ સામે આવી હતી.

          ખાસ કરીને કોરોનાના કહેરને જોતાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજયસભાની ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવતાં ગુજરાતમાં પણ તા.૨૬મી માર્ચે યોજાનારી રાજયસભાની ચૂંટણી હવે મુલત્વી  રહી છે., તેથી કોંગ્રેસે પણ તેના ધારાસભ્યોને જયપુરથી ગુજરાત પરત લાવી દીધા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં કટોકટીની સ્થિતિ હોવાથી કોંગ્રેસે તેના બન્ને ઉમેદવારોને જીતાડવા માટે અન્ય ધારાસભ્યોને જયપુરના એક રિસોર્ટમાં ખસેડ્યા હતા. રાજ્યસભાની ૪ સીટની ચૂંટણી માટે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિએ ઉમેદવારી કરી હતી. જ્યારે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યાં હતા. રાજયસભાની ચૂંટણી મુલત્વી રહેતાં તા.૩૧મી માર્ચ પછી નવી તારીખો જાહેર કરાય તેવી શકયતા છે.

(9:03 pm IST)