Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

તાવ આવ્યો હોય તો 104 હેલ્પલાઈન નંબર પર ફોન કરો : આરોગ્ય અધિકારીઓ ઘરે આવી નિ:શુલ્ક સારવાર કરશે

ટોલ ફ્રી નંબર 104 ડાયલ કરીને ઘરે બેઠા આરોગ્યલક્ષી સારવાર - માર્ગદર્શન વિનામૂલ્યે પ્રાપ્ત કરી શકાય છે: જાણો ગુજરાત સરકારની 104 નંબર હેલ્પલાઈન સેવા વિશે

અમદાવાદ : ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકોનાં આરોગ્યની ચિંતા કરી તાવની બિમારીની ઘરબેઠા નિ:શુલ્ક સારવાર મળી રહે તેમજ આરોગ્યલક્ષી માર્ગદર્શન વિનામૂલ્યે પ્રાપ્ત થાય તે હેતુસર ઘણા સમયથી હેલ્પલાઈન નંબર 104ની શરૂઆત કરી છે, જેનો લાભ મોટા પ્રમાણમાં લોકો લઈ રહ્યાં છે.

  રાજ્યમાં ઉચ્ચ ગુણવત્તાસભર આરોગ્યને લગતી સેવાઓ, સ્વાસ્થ્ય સલાહ, ડિરેક્ટરી માહિતી અને પરામર્શ સેવાઓ સાથે માનસિક રીતે અસ્વસ્થ અને પોતાને નિ:સહાય અનુભવતા લોકોને નિષ્ણાંત મનોવૈજ્ઞાનિક દ્વારા પરામર્શ સેવા પૂરી પાડવાના હેતુથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 104 હેલ્થ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી, જે લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. હજારો દર્દીઓ આ સેવાનો લાભ લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આર્શીવાદ દઈ રહ્યાં છે.

  રૂપાણી સરકારનાં આરોગ્ય વિભાગ દ્રારા કાર્યરત હેલ્પલાઈન નંબર 104 પર જ્યારે પણ તાવ આવે ત્યારે સંપર્ક કરવાની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં ૩ કલાક અને શહેરી વિસ્તારમાં ૨ કલાકની અંદર જ આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ ઘરબેઠા સારવાર આપવા પહોંચી જાય છે. આમ, હવે તાવ આવે તો દર્દીને હૉસ્પિટલ જવાની જરૂર પડતી નથી કેમ કે રૂપાણી સરકારે ઘરેબેઠા દર્દીને આરોગ્યની સારવાર ઉપલબ્ધ કરાવી આપી છે. 104 નંબર પર એક ફોન કરવાથી મેડિકલ ઑફિસર એક પણ રૂપિયાને ચાર્જ કર્યા વગર તમારા ઘરે સારવાર આપવા આવે છે.

  ગુજરાત સરકારની આ હેલ્પલાઈન ખરેખર તાવનાં દર્દીઓને હેલ્પ કરી રહી છે અને રોજના અંદાજે દોઢસોથી બસો જેટલા દર્દીઓ ઘરેબેઠા તાવની સારવાર નિઃશુલ્ક રીતે કરાવી રહ્યા છે. ગુજરાતમાં કોઈ વ્યક્તિને તાવ આવે તો દર્દી પોતે અથવા તેના સ્વજન ઘરેબેઠા ટોલ ફ્રી નંબર 104 પર સંર્પક કરે તો દર્દીની વિગતો જાણીને આ હેલ્પલાઈન પર તેમને મદદ મળે છે અને જરૂરિયાત જણાય તો દર્દીનાં ઘરે મેડિકલ ઑફિસર આવે છે. તેઓ દર્દીને તપાસે છે, જરૂર પડે તો બ્લડ ટેસ્ટ કરે છે અને દવા પણ આપે છે. આ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. આ સેવા નિઃશુલ્ક છે.

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્યનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ છેવાડાનાં માનવી સુધી ગુણવત્તાયુક્ત રીતે ત્વરિત પહોંચાડવા માટે અનેક નવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૧૦૮ ઈમરજન્સી સેવાનાં અદ્યતન ટેક્નોલૉજી તેમજ વ્યવસ્થાનો ઉપયોગ કરી રાજ્યવ્યાપી 104 હેલ્થ હેલ્પલાઈન કાર્યરત કરાઈ છે. 104 હેલ્થ હેલ્પલાઈનનાં ટેક્નોલોજીકલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકોને ટેલિ-કાઉન્સેલિંગ, ટેલિ-હેલ્થ સલાહ, આરોગ્ય શિક્ષણ, આરોગ્ય કાર્યક્રમો/સેવાઓ, હોસ્પિટલ/આરોગ્ય કેન્દ્રો ખાતે સ્વાસ્થ્ય સંભાળની સગવડ સંબંધિત ફરિયાદ નોંધણી અને નિવારણ, આરોગ્ય કર્મચારીને માતા અને બાળ સંભાળના જટિલ કેસમાં વિષય નિષ્ણાત દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવાની આગવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

  . આ ઉપરાંત પ્રસૂતા માતા અને બાળઆરોગ્યની કામગીરીનું અસરકારક અમલીકરણ અને તેના મૂલ્યાંકન માટે TeCHO+ એપ્લીકેશનનું 104 હેલ્થ હેલ્પલાઈન સાથે જોડાણ કરવામાં આવ્યું છે.

(7:48 pm IST)