Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

અનામત વર્ગના આંદોલનકારોએ ધોકો પછાડતા સરકારે બોલાવ્યાઃ નીતિન પટેલ સાથે બેઠક

પરિપત્ર બાબતે સરકાર સામે બેય બાજુથી મોરચાઃ વ્યવહારૂ ઉકેલ શોધવા પ્રયાસ

ગાંધીનગર, તા., ૧૩: રાજય સરકારે અનામત વર્ગની માંગણી મુજબ તા.૧ ઓગષ્ટ ર૦૧૮ના પરીપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરતા  તેની સીધી અસર અનામત વર્ગના ઉમેદવારો પર આવી છે. પરીપત્રમાં ફેરફાર કરવાના વિરોધમાં બિન અનામત વર્ગની બહેનોએ ગઇકાલથી પાટનગરમાં આંદોલન શરૂ કર્યુ છે. વાત વધુ વણસતી અટકાવવા આજે સાંજે ૪ વાગ્યે સરકારે બિન અનામત વર્ગના આંદોલનકાર આગેવાનોને બોલાવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સરકાર વતી ચર્ચા કરનાર છે. પરીપત્રની તરફેણમાં અને વિરોધમાં આંદોલન શરૂ થતા સરકાર વ્યવહારૂ રસ્તો શોધવા મથામણ કરી રહી છે. બિન અનામત વર્ગ તરફથી દિનેશ બાંભણીયા સહીતના આગેવાનોએ મોરચો સંભાળ્યો છે.

પરીપત્રમાં ફેરફાર કરવાથી બીન અનામત વર્ગના ઉમેદવારોને અન્યાય થશે તેવી લાગણી સાથે ઉમેદવારો બહેનોએ આંદોલન શરૂ કર્યુ છે.  સરકાર સાંભળતી નથી તેવું જણાવી આજે સવારે બે કલાકની મહેતલ સાથે ચીમકી આપેલ. બપોરે સરકારે મંત્રણા માટે આમંત્રણ આપ્યું છે તે મુજબ ૪ વાગ્યે ચર્ચા થનાર છે. આંદોલનકારોએ મુખ્યમંત્રીને સંબોધીને વિગતવાર આવેદન તૈયાર કર્યુ છે. બીન અનામતમાં ફેરફાર કરાશે તો લાખો લોકોની કુચ ગાંધીનગર તરફ લાવવાની ચીમકી બ્રહ્મસેના સ્થાપક ભાવેશ રાજગુરૂએ આપી છે.

(4:24 pm IST)