Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

સુરતના હીસ્ટ્રીશીટર સૂર્યા અને હાર્દીકની ગેંગવોરમાં સામસામી તલવાર- છરીના ઘા ઝીંકી હત્યા

એક સમયે સૂર્યાનો સાગરીત હાર્દિક પટેલ હવે જાની દુશ્મન બની ગયો હતોઃ હાર્દિક પટેલ સહિત સાત શખ્સો તલવાર અને હથિયાર સાથે ઘૂસી ગયાઃ સામસામે હુમલામાં બન્નેનાં મોત

સુરત,તા.૧૩: શહેરના કતારગામ-વેડરોડના માથાભારે શખ્સ સૂર્યા મરાઠીની ઓફિસમાં આજે સાતેક જેટલા ઈસમો તલવાર અને તિક્ષ્ણ હથિયાર સાથે ઘૂસી સૂર્યા મરાઠીનું ઢીમ ઢાળી દીધું હતું. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામ સામેના હુમલામાં ટૂંકી સારવાર દરમિયાન સૂર્યા અને હાર્દિક બન્નેના મોત નિપજયાં હતાં. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, એક સમયના બન્ને મિત્રો સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ વચ્ચે કોઈ બાબતે વાત વણસી હતી અને તેમાં બન્નેએ સામ સામે હુમલો કર્યો હતો. બન્નેના સારવાર દરમિયાન મોત થયાં હતાં. હાલ બનાવના સ્થળે પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. આ કોઈ ગેંગવોર નહી પરંતુ બે લોકો વચ્ચેનો ઝઘડો હતો. હાલ પરિસ્થિતી કાબૂમાં છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કતારગામ વેડરોડ વિસ્તારમાં રહેતો અને ઓફિસ ધરાવતો સૂર્યા મરાઠી ગેંગવોરને લઈને ચર્ચામાં આવતો રહેતો હતો. માથાભારે મનુ ડાહ્યા ગેંગ સાથે અથડામણને લઈને ઘણી વાર જાહેરમાં બનાવો પણ બન્યા હતા. દરમિયાન મનુ ડાહ્યાની હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં સૂર્યા મરાઠીને આરોપી બનાવવામાં આવ્યો હતો. જોકે, થોડા દિવસો પહેલાં સૂર્યા મરાઠીને મનુ ડાહ્યા કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યાના પાંચ દિવસમાં આજે વેડરોડ ખાતે આવેલી ઓફિસમાં સૂર્યા મરાઠી હાજર હતો. હાર્દિક પટેલ સહિતના હુમલાખોરોએ સૂર્યા મરાઠીના સમગ્ર શરીર પર બેરહેમીપૂર્વક ચપ્પુના ઘા વિંઝ્યાં હતાં. લગભગ ૩૦ જેટલા ઘા સૂર્યા મરાઠી પર ઝીંકી દેવામાં આવતાં જ પ્રાણનાથ હોસ્પિટલ બાદ મહાવીર હોસ્પિટલમાં ખસેડ્યાં બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સૂર્યાને મોતને ઘાટ ઉતારતી વખતે હાર્દિકના પ્રાઈવેટ પાર્ટ નજીક સૂર્યા મરાઠીએ બે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતાં. જેથી સૂર્યાની સાથે સાથે હાર્દિક પટેલનું પણ મોત નિપજયું હતું.

ખુલ્લા ચપ્પુ સાથે સૂર્યાની ઓફિસમાં દાખલ થયેલા હુમલાખોરો હત્યા બાદ લોહીથી ખરડાયેલી હાલતમાં બહાર જતાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું.

(4:23 pm IST)