Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

સરકારે ર,૪૪,૩૭ર ખેડૂતો પાસેથી રપ૦૦ કરોડની મગફળી (૧.૬પ કરોડ ગુણી) ખરીદી

સાંજે ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયા પૂરી : ૧,૬પ,૮૭૬ ખેડૂતોને રૂ.૧૭૪૬ કરોડ ચૂકવાઇ ગયા, બાકીનાને અઠવાડિયામાં ચૂકવાઇ જશે : એસ.કે. મોદી

રાજકોટ, તા. ૧૩ :. રાજ્ય સરકારે નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી ગઈ તા. ૧ નવેમ્બરથી શરૂ કરેલ ટેકાના ભાવની મગફળી ખરીદી પ્રક્રિયાનો આજે છેલ્લો દિવસ છે. ગયા વર્ષની સરખામણીએ સરકારે વધુ ખેડૂતો પાસેથી વધુ જથ્થો ખરીદ્યો છે. આજે માત્ર જસદણ અને જામકંડોરણા તાલુકામાં જ ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે તે રાત સુધીમાં પુરી થઈ જશે.

પુરવઠા નિગમના જનરલ મેનેજર શ્રી એસ.કે. મોદી (જીએએસ)ના જણાવ્યા મુજબ રાજ્યમાં ૪૭૧૪૬૦ ખેડૂતોએ મગફળી વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવેલ. તે તમામને મગફળી લઈને આવવા માટે એસએમએસ કરાયા હતા. તેમાથી જેટલા ખેડૂતો આવ્યા તે પૈકી ૨,૪૪,૩૭૨ ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી છે. ખરીદાયેલ મગફળીનો જથ્થો પાંચ લાખ મેટ્રીક ટન જેટલો થાય છે. જેની ટેકાના ભાવ મુજબ કિંમત રૂ. ૨૫૦૦ કરોડ જેટલી છે. જે ખેડૂતોએ મગફળી વેચી છે તે પૈકી આજે બપોર સુધીમાં ૧,૬૫,૮૭૬ ખેડૂતોને રૂ. ૧૭૪૬ કરોડ રૂપિયા ચૂકવાય ગયા છે. મગફળી ખરીદીને લગતુ આખરી આંકડાકીય ચિત્ર આવતીકાલ સવાર સુધીમાં સામે આવી જશે. જે ખેડૂતોનું ચુકવણુ બાકી છે તેની પ્રક્રિયા ચાલુ છે. અઠવાડીયામાં તમામ ખેડૂતોને મગફળીના મળવાપાત્ર નાણા મળી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સરકારે ખરીદેલી મગફળી ભરવા માટે એક કરોડ, પાંસઠ લાખ જેટલા કોથળાનો (બારદાન) ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્યમાં મગફળી ખરીદનાર ખેડૂતોનો સૌથી મોટો આંક રાજકોટનો ૪૯૯૮૫ રાજકોટ જિલ્લાનો છે. ટેકાના ભાવ મગફળી વેચવામાં રાજકોટ જિલ્લો પ્રથમ નંબરે રહ્યો છે.

(4:21 pm IST)