Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

મેડીકલના વિદ્યાર્થીઓ સરકારી ખર્ચે ભણીને ગ્રામીણ સેવા ટાળે છે : બોન્ડની રકમમાં વધારો

ગ્રામીણ ક્ષેત્રમાં તબીબી ઘટના કારણે આરોગ્ય સેવામાં વિપરિત અસર હોવાનો પરિપત્રમાં એકરારઃ અનુસ્નાતક અભ્યાસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ રૂ. ૪૦ લાખના બોન્ડ આપવા પડશે

રાજકોટ તા. ૧૩ : રાજ્ય સરકારે સરકારી મેડીકલ કોલેજોમાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી ગ્રામીણ સેવા બજાવવા અંતર્ગત બોન્ડની રકમ તેમજ ગ્રામીણ સેવાના સમયમાં ફેરફાર કર્યો છે. આયોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ વી.જી.વણઝારાએ આ અંગે તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે પરિપત્ર બહાર પાડયો છે. હાલ ૧૪-૮-૨૦૧૯ના પરિપત્ર મુજબ એક વર્ષની ગ્રામીણ સેવા તથા રૂ. ૨૦ લાખના બોન્ડનો નિયમ છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, અનુભવે જણાયું છે કે અનુસ્નાતક અભ્યાસક્રમમાં હાલની રૂ.૧૦ લાખની બોન્ડની રકમ ઘણી ઓછી હોવાથી વિદ્યાર્થીઓ સરકારી મેડીકલ કોલેજોમાંથી અનુસ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કરીને બોન્ડની નિયત રકમ ભરીને બોન્ડ મુકિત મેળવીને ગ્રામીણ સેવા ટાળવા માટેનો અભિગમ ધરાવે છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ડોકટરોની ઘટ રહે છે તેમજ ગ્રામીણ, આદિવાસી, દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારના ગરીબ દર્દીઓની તબીબી અને આરોગ્ય વિષયક સેવાઓ પર વિપરીત અસર પડે છે.

રાજય સરકાર તબીબી શિક્ષણ પાછળ મેડીકલ કોલેજની સ્થાપના માટે બિલ્ડીંગ, અત્યાધુનિક સાધન-સામગ્રીની ખરીદી માટે, એમ.સી.આઇ.ના ધારાધોરણો મુજબના મેડીકલ, પેરામેડીકલ તેમજ વહીવટી સ્ટાફની નિમણૂક કરવા તેમજ પગાર-ભથ્થા, મકાનો અને સાધનોની જાળવણી, વગેરે પાછળ કરોડો રૂપિયાનું રોકાણ કરે છે. તબીબી વિદ્યાર્થીઓ પાસેથી નજીવી ફી મેળવીને તેઓને તબીબી શિક્ષણ પૂરૂ પાડે છે. તબીબી વિદ્યાર્થીઓ સરકારી મેડીકલ કોલેજોની વિવિધ માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરીને તાલીમ મેળવે છે. તેના બદલામાં ગ્રામીણ, આદિવાસી તેમજ અંતરિયાળ વિસ્તારોના ગરીબ દર્દીઓની તબીબી તેમજ ઓરાગ્યલક્ષી સેવાના હિતમાં તબીબી વિદ્યાર્થીઓ ગ્રામીણ સેવા કરે તેવી રાજય સરકારની અપેક્ષા સંપૂર્ણ વાજબી, યોગ્ય અને દર્દીઓના હિતમાં છે.

જો કે બોન્ડની રકમમાં વધારો કરીને રાજય સરકાર આવકનું સાધન ઉભુ કરવા માંગતી નથી, પરંતુ ગરીબ દર્દીઓના તબીબી સારવારના હિતમાં બોન્ડની રકમમાં વધારો કરવાનો સરકારનો અભિગમ છે. જેથી કરીને વિદ્યાર્થીઓ બોન્ડની રકમ ભરપાઇ કરીને સહેલાઇથી બોન્ડ મુકિત મેળવી શકે નહિ અને ગ્રામીણ સેવા પૂર્ણ કરે તે સરકારનો ઉદ્દેશ છે.

પરિપત્રમાં ઠરાવની વિગતો અંગે જણાવાયું છે કે, સરકારી મેડીકલ કોલેજમાં અનુસ્નાતક અભ્યાસક્રમ ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ તેઓ અભ્યાસક્રમ પૂર્ણ કરે તે પછી રાજય સરકારની ઓછામાં ઓછી એક વર્ષની ગ્રામ્ય સેવાઓ બજાવવાની બાંહેધરી રૂપે જે મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવે તે સમયે મેડીકલ કોલેજના ડીનશ્રીને રૂ.૪૦.૦૦ લાખનો બોન્ડ રજૂ કરવાનો રહેશે. રાજય સરકારની ઓછામાં ઓછી એક વર્ષ એટલે કે કામકાજના પૂરા ૩૬૫ દિવસ(જાહેર રજાઓ સાથે)ની ગ્રામ્ય સેવાઓ બજાવવાની રહેશે. અન્ય કોઇપણ પ્રકારની રજાઓને બોન્ડના સમયગાળા માટે ગણતરીમાં લેવાની રહેશે નહીં અને જાહેર રજાઓ સિવાયની અન્ય રજાઓ ભોગવે તો ભોગવેલ રજાના સમયગાળા જેટલો બોન્ડની સેવાનો સમયગાળો લંબાવવાનો રહેશે. અનુસ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ બોન્ડની રકમ રૂ. ૪૦.૦૦ લાખની સામે રૂ.૧૦.૦૦ લાખની બેન્ક ગેરન્ટી અથવા રૂ.૧૦.૦૦ લાખની કિમત ધરાવતી મિલકતની ગેરેન્ટી આપવાની રહેશે. ઉકત બેંક ગેરેન્ટી / મિલકત ગેરેન્ટીનો વેલીડીટી પિરિયડ ૭ વર્ષનો રહેશે તેમજ જરૂર જણાયે તેની વેલીડોટી લંબાવવાની રહેશે.

જે વિદ્યાર્થી અતિ ગરીબ હોય અને તેના મા-બાપ કે પરિવાર પાસે કોઇ મિલકત ન હોય કે બેંક ગેરંટીની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીને ખાસ કિસ્સામાં નિયત બેન્ક ગેરંટી અથવા મિલકત ગેરંટી રજૂ કરવામાંથી મુકિત મળી શકશે. જે અંગેની સત્તા સરકારશ્રીની રહેશે. આવા વિદ્યાર્થીઓએ રૂ.૪૦.૦૦ લાખના બોન્ડની બાંહેધરી રૂ.૩૦૦ (રૂપિયા ત્રણસો) ના નોટરાઇઝડ સ્ટેમ્પ પેપરપર આપવાની રહેશે. ઓલ ઇન્ડિયા કવોટાની બેઠકો પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ ઠરાવની જોગવાઇ લાગુ પડશે નહિ. અગાઉ પ્રવેશ મેળવેલ જૂના વિદ્યાર્થીઓ જેમણે પ્રવર્તમાન બોન્ડની પોલિસી મુજબ ત્રણ વર્ષની ગ્રામીણ સેવા બજાવવા માટે બોન્ડ આપેલ છે તેઓને આ ઠરાવ મુજબની જોગવાઈઓનો વિકલ્પ આપવામાં આવશે.

(12:48 pm IST)