Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

અનામત અને બિનઅનામત વર્ગના આંદોલનથી ધગધગતુ ગાંધીનગર

સરકાર એક પ્રશ્ન ઉકેલે ત્યાં બીજો સર્જાય છેઃ શાસકોને ભીડવવા માટે રાજકીય દોરી સંચાર ?: સરકારે પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી તો તેના વિરોધમાં મોરચો ખૂલ્યોઃ ત્રીજી છાવણી આદિવાસી આંદોલનકારોની

હમારી એકતા ઝીંદાબાદઃ ગાંધીનગરમાં પથિકાશ્રમ પાસે સરકાર સામે ત્રણ અલગ અલગ આંદોલનની છાવણી છે. એક છાવણી અનામત વર્ગની બહેનોની બીજી બિનઅનામત વર્ગની બહેનોની છે. એકની માંગણી તા. ૧-૮-૨૦૧૮નો પરિપત્ર રદ કરવાની છે. બીજી છાવણી પરિપત્ર યથાવત રખાવવા માંગે છે. ત્રીજી છાવણી આદિવાસી સમુદાયની છે. અનામત વર્ગની છાવણીમાં કોંગી ધારાસભ્યો નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા વગેરે જોડાયા છે.(૨-૯)

ગાંધીનગર, તા. ૧૩ :. રાજ્યમાં અનામત વર્ગ અને બિનઅનામત વર્ગના આંદોલનથી પાટનગરમાં માહોલ ગરમ થઈ ગયો છે. અનામત વર્ગની બહેનોના બે મહિનાના આંદોલન પછી સરકારે ૧ ઓગષ્ટ ૨૦૧૮ના પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરી તેના વિરોધમાં બિનઅનામત વર્ગની બહેનો મેદાને પડી છે. ત્રીજો મોરચો આદિવાસી સમુદાયે ખોલ્યો છે. જેમાં આદિવાસીને અન્યાય કરીને અન્ય વર્ગને ખોટા પ્રમાણપત્ર દ્વારા આદિવાસી જેવા લાભ અપાતા હોવાનો આક્ષેપ છે. પથિકાશ્રમ પાસે આંદોલનકાર ત્રણેય જુથની છાવણી નજીક - નજીકમાં છે. સરકારે એક પ્રશ્ન ઉકેલે ત્યાં બીજો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. વર્ગવિગ્રહ જેવી વૃતિને પ્રોત્સાહન આપી સરકારને ભીડવવા કોઈનો પ્રયાસ હોય તેવુ ચર્ચાઈ રહ્યુ છે. ઙ્ગગાંધીનગરમાં ગઈકાલે રાત્રે બિનઅનામત વર્ગનો મોરચો લઈને ગાંધીનગર પહોંચેલા સામાજીક આગેવાનોની અંતે પોલીસે અટકાયત કરી છે. ૧-૮-૨૦૧૮ના પરિપત્રમાં સરકાર ફેરફાર ન કરે તેવી માંગ સાથે ગાંધીનગરના રાજભવન તરફ જતા સમયે બિનઅનામત વર્ગના આગેવાનો દિનેશ બાંભણીયા, પૂર્વીન પટેલ સહિતના સામાજીક આગેવાનોનની પોલીસે અટકાયત કરી છે.

મળતી માહીતી મુજબ આ સામાજીક આગેવાનોની ફરજમાં હાજર પોલીસકર્મીઓ સાથે બોલાચાલી પણ થઈ હતી. હાલમાં ગાંધીનગરમાં એક તરફ અનામત વર્ગની મહિલાઓ પરિપત્રમાં ફેરફાર કરીને નવો પરિપત્ર જારી કરવાની માંગ કરી રહી છે, તો સામે બિનઅનામત સમાજના અસંખ્ય લોકો ૧-૮-૨૦૧૮નો સરકારનો જે પરિપત્ર છે તેમા સરકાર કોઈ ફેરફાર ન કરે તેવી માંગ સાથે ગાંધીનગર પહોંચ્યા છે. જેમા સામાજીક આગેવાનોની અટકાયત કરાઈ છે, તો બીજી તરફ બિન અનામત વર્ગની મહિલાઓએ રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી હતી. આજે સવારે ત્રણેય છાવણીમાં આંદોલન ચાલુ છે. સવારની સ્થિતિએ છાવણીમાં મર્યાદિત લોકો છે પણ બપોરથી સંખ્યા વધે તેવી શકયતા છે.

(12:48 pm IST)