Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

ધો.૩થી ૧૨ની પરીક્ષા જે તે સ્કુલ નહિ લ્યે, બોર્ડ લેશેઃ ૨૦૨૦-૨૧ના સત્રથી એક સમાન પરીક્ષા

શાળાઓમાં ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળ દ્વારા તૈયાર કરાયેલા પુસ્તકોનાં આધારે જ અભ્યાસ કરાવાશે

અમદાવાદ, તા.૧૩: નવું શૈક્ષણિક સત્ર ૨૦ એપ્રિલથી શરૂ કરવાના નિર્ણય બાદ પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક વર્ષથી રાજયની તમામ સ્કૂલોમાં એક સમાન પરીક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે રાજયની ૫૫ હજાર સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં નવા સત્રથી પરીક્ષા એક સમાન થશે. ગુજરાતી માધ્યમ સિવાયના અન્ય માધ્યમોના પુસ્તકો પણ GCERT અને શિક્ષણ બોર્ડ દ્વારા જ તૈયાર કરાશે. પ્રાથમિક સ્કૂલોમાં DPEO અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં DEO દ્વારા પેપર પૂરા પડાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજયમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળા મળી કુલ ૫૫ હજાર સ્કૂલો છે. જેમાં ૧.૨૫ કરોડ બાળકો અભ્યાસ કરે છે. આ તમામ સ્કૂલોમાં એક સમાન એકમ કસોટી અને પ્રથમ તથા દ્વીતિય કસોટીનું આયોજન શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. આ માટે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરાયેલા પુસ્તકોના આધારે જ પરીક્ષાનું આયોજન કરવાનું રહેશે.

પ્રાથમિક સ્કૂલો માટે રાજયકક્ષાએ એકમ કસોટી અને પ્રથમ તથા દ્વીતિય કસોટીના પ્રશ્નપત્રોની રચના તેમજ પરીક્ષા સંચાલન સંબંધી જરૂરી સૂચનાઓ GCERT મારફતે આપવામાં આવશે. જયારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે સંચાલન સંબંધી સૂચનાઓ શિક્ષણ બોર્ડ મારફતે અપાશે. એકમ કસોટી તેમજ પ્રથમ અને દ્વીતિય કસોટીના ગુજરાતી માધ્યમ સિવાયના અંગ્રેજી, હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાના પ્રશ્નપત્રો પણ GCERT અને શિક્ષણ બોર્ડ દ્વારા જ તૈયાર કરાશે.

રાજયસ્તરેથી ધો-૩થી ૧૦ ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના સમાન પ્રશ્નપત્રો આપવામાં આવશે. જયારે ધો-૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તથા અંગ્રેજી અને સામાન્ય પ્રવાહ માટે અંગ્રેજી, નામાના મૂળ તત્ત્વો, વાણિજય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના સમાન પ્રશ્નપત્રો આપવામાં આવશે. જિલ્લાની તમામ પ્રાથમિક સ્કૂલોમાં પેપર છપાવીને મોકલવાની જવાબદારી ડીપીઈઓની રહેશે. જયારે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં ડીપીઈઓ દ્વારા પેપર પૂરા પડાશે, પરંતુ તેનો ખર્ચ સંસ્થાએ આપવાનો રહેશે. જયારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પણ આ જ રીતે પેપર મોકલવામાં આવશે. જેની જવાબદારી ડીઈઓની રહેશે.

શિક્ષણ વિભાગ દ્વારા સમાન પરીક્ષાનો નિર્ણય લીધા બાદ સમગ્ર કામગીરીમાં તમામ સંલગ્ન સંબંધિત કચેરીઓના અધિકારીઓ અને ખાનગી શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓને સમાવિષ્ટ કરી એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. આ નવા પ્રયોગના સંચાલન માટે અને આગામી સમયમાં તેના આયોજન અને અમલીકરણ વખતે ઉદભવતી પ્રાયોગિક સમસ્યાઓના નિરાકરણ ટાસ્ક ફોર્સના પરામર્શમાં રહી કરવાના રહેશે. આમ, આગામી સમયમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે ટાસ્ક ફોર્સની રચના કરાશે.

ઉત્તરવહીઓનું થર્ડ પાર્ટી મૂલ્યાંકન કરાવવું પડશેઃ સ્કૂલમાં લેવાનારી એકમ કસોટીનું મૂલ્યાંકન શાળા કક્ષાએ જ કરવાનું રહેશે. જયારે પ્રથમ અને દ્વીતિય કસોટીની ઉત્તરવહીઓ ચકાસણી અર્થે જે તે કલસ્ટરની શાળાઓમાં ઉત્તરવહીઓની વહેંચણી કરીને થર્ડ પાર્ટી ચકાસણી કરાવવાની રહેશે. રાજયની તમામ સ્કૂલોમાં એકમ કસોટી અને પ્રથમ તથા દ્વીતિય કસોટીના ગુણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા તૈયાર કરવામાં આવેલા વેબ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. આમ, વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મેળવેલા માર્ક શિક્ષણ વિભાગ પાસે પણ સચવાયેલા રહેશે.

સ્કૂલો ખાનગી પ્રકાશનોનો અભ્યાસ નહીં કરાવી શકેઃ રાજયની તમામ સરકારી, અનુદાનિત અને બિન અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાત રાજય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરાયેલાં પુસ્તકોને આધારે જ અભ્યાસ કરાવાશે. કોઈ પણ સ્કૂલ દ્વારા ખાનગી પ્રકાશનના પુસ્તકોનો ઉપયોગ કરી શકશે નહીં. જરૂર જણાય તો સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી શકાશે, પરંતુ વિદ્યાર્થીઓને ખરીદવા માટે કે વાપરવા માટે ફરજ પાડી શકાશે નહીં. શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી આ નિર્ણયનો તમામે સ્કૂલે અમલ કરવાનો રહેશે.

(11:47 am IST)