Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

બજેટમાં કોંગ્રેસે કુલ ૨૯૮ કરોડના સુધારાઓ સૂચવ્યા

સત્તા લાલચમાં ભ્રામક બજેટ રજૂ કરાયાનો આક્ષેપ : નવા વિસ્તારોમાં વધારાના ૧૦૦કિમીના રસ્તા બનાવવા ૫૦ કરોડ, સ્ટ્રોર્મ વોટર, ડ્રેનેજ માટે ૫૦ કરોડની માંગણી

અમદાવાદ,તા. ૧૨ :    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૨૦-૨૧ માટે સ્ટેન્ડીંગ કમીટીએ રજૂ કરેલા રૂ.૯૬૮૫ કરોડના બજેટમાં મ્યુનિસિપલ વિપક્ષ કોંગ્રેસે આજે કુલ રૂ.૨૯૮  કરોડના વિકાસ કામો સાથેના સુધારા સૂચવ્યા છે પરંતુ શાસકપક્ષ ભાજપ દ્વારા વિપક્ષની માંગણી આગામી મ્યુનિસિપલ બોર્ડની બેઠકમાં ફગાવી દેવાય તેવી પૂરી શકયતા છે અને તેથી બોર્ડની આગામી બેઠક પણ તડાફડીવાળી બનવાના એંધાણ છે. વિપક્ષ કોંગ્રેસે અગાઉ શાસકપક્ષ ભાજપ દ્વારા રજૂ કરાયેલા બજેટને આ વર્ષે અમ્યુકોની આવી રહેલી ચૂંટણીને લઇ સત્તાની લાલચમાં કાલ્પનિક અને ભ્રામક બજેટ ગણાવાયુ હતું અને અમદાવાદના નગરજનોને ધોળાદહાડે સપના બતાવતું છેતરામણું બજેટ શાસક પક્ષે રજૂ કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. વિપક્ષ કોંગ્રેસે સૂચવેલા સુધારામાં શહેરના નવા વિસ્તારોમાં વધારાના ૧૦૦કિમીના રસ્તા બનાવવા રૂ.૫૦ કરોડ, ૨૫ કિમીનું સ્ટ્રોર્મ વોટર અને ડ્રેનેજ નેટવર્ક માટે રૂ.૫૦ કરોડ, શહેરના પૂર્વ વિસ્તારમાં ૫૦હજારની બેઠક વ્યવસ્થાની ક્ષમતાવાળા અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા રૂ.૨૦ કરોડ અને શહેરના ૨૦૦ જેટલા બગીચાઓમાં ૨૦૦ વાંચનાલયો ઉભા કરવા રૂ.૨૫ કરોડની ફાળવણી કરવા માંગણી  કરવામાં આવી છે.

            મ્યુનિસિપલ વિપક્ષ કોંગ્રેસે સૂચવેલા સુધારા અંગે મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા, પૂર્વ નેતાઓ બદરૂદ્દીન શેખ અને સુરેન્દ્ર બક્ષીએ જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોની અમ્યુકો સત્તાવાળાઓ પાસેથી મેળવવાની સેવાઓ અને અપેક્ષાઓ ઠગારી નીવડી રહી છે અને શહેરમાં આડેધડ ખોદેલા રોડ-રસ્તા, પાણીની સમસ્યા, ડ્રેનેજ લાઇન, ઉભરાતી ગટરો, ટ્રાફિક સહિતની સમસ્યાઓ જૈસે થે હોઇ શાસકપક્ષની બિનકાર્યક્ષમતા સામે આવી ગઇ છે. શાસકપક્ષનું આ વર્ષનું ૨૦૨૦-૨૧નું બજેટ દિશાવિહીન અને પ્રજાને ગેરમાર્ગે દોરનારૃં છે. અમ્યુકોની એટલી આવક જ નથી, તેમછતાં શાસકપક્ષે રૂ.૫૦૪૭ના વિકાસકામો દર્શાવી પ્રજાને ધોળાદિવસે સપના બતાડવાનું કામ કર્યું છે. હકીકતમાં આ વર્ષે અમ્યુકોની ચૂંટણી આવી રહી હોઇ ભાજપે પ્રજાને લોભામણી વાતો કરી સત્તાની લાલચ સેવી છે પરંતુ અમદાવાદની નગરજનો બહુ સમજદાર અને જાગૃત છે, તેઓ ભાજપની સત્તાલાલચુ અને જૂઠ્ઠી વિકાસનીતિને પારખી ગયા છે.

              મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા, પૂર્વ નેતાઓ બદરૂદ્દીન શેખ અને સુરેન્દ્ર બક્ષીએ અમ્યુકોના ૨૦૨૦-૨૧ના બજેટમાં રૂ.૨૯૮ કરોડના સુધારા સૂચવવા સાથે નાગરિકોના પ્રોપર્ટી ટેક્સમાં ૧૮ ટકાના બદલે સાત ટકા વ્યાજ કરવા, ટેક્સમાં કોઇપણ વધારો કરતાં પહેલાં પબ્લીક ઓપીનીયન પોલિસી બનાવવા, શહેરમાં હાલ ૧૨ ટકાને બદલે માત્ર ચાર ટકા જ ગ્રીન કવર રહ્યું હોઇ ટ્રી ઓથોરીટીની રચના કરવા, શહેરના તમામ વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી બે ટાઇમ પીવાનું પાણી આપવા, ટેન્ડરની યુનિફોર્મ પોલિસી નકકી કરવા, સિનિયર સીટીઝનોને તમામ હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ બનાવવા, અમ્યુકોમાં તાત્કાલિક લોકપાલની નિમણૂંક કરવા અને શહેરમાં પૂરતા ફાયર સ્ટેશન અને ફાયર ચોકીઓ ઉભી કરવા સહિતની માંગણીઓ રજૂ કરી હતી. દરમિયાન અમ્યુકોમાં દિન પ્રતિદિન વકરી રહેલા ભ્રષ્ટાચારના દૂષણને લઇ મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા, પૂર્વ નેતાઓ બદરૂદ્દીન શેખ અને સુરેન્દ્ર બક્ષીએ શાસક પક્ષ ભાજપ અને સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, એકબાજુ, મોદી સરકાર અને રૂપાણી સરકાર ભ્રષ્ટાચાર મુકત શાસનના દાવા કરે છે અને બીજીબાજુ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો અને પ્રોજેક્ટસમાં ભ્રષ્ટાચારના દૂષણે જાણે માઝા મૂકી છે. છેલ્લા એક વર્ષમાં અમ્યુકોમાં ૧૧ ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓ એસીબીના છટકામાં ઝડપાયા તે શાસકપક્ષ માટે શરમજનક રેકોર્ડ કહી શકાય. અમ્યુકોનો વહીવટ પારદર્શક અને ભ્રષ્ટાચાર મુકત બનાવવા અમ્યુકોમાં તાત્કાલિક લોકપાલની નિમણૂંક કરવી જોઇએ.

(9:41 pm IST)