Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

LRD ભરતી : સસ્પેન્સની વચ્ચે આજે નવો જ પરિપત્ર જારી કરાશે

એલઆરડી ભરતીમાં અનામતનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો : ૧૫૫થી વધારે અનામત કેટેગરી બહેનો દ્વારા અંતે ગુજરાત હાઈકોર્ટમાં રીટ અરજી : તમામ વિવાદો અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા સરકાર ઈચ્છુક

અમદાવાદ,તા. ૧૨ :    એલઆરડી ભરતીમાં અનામતના વિવાદમાં આજે ૧૫૫ જેટલી અનામત કેટેગરીની બહેનોએ ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની રિટ અરજી દાખલ કરી હતી અને સરકારના તા.૧-૮-૨૦૧૮ના વિવાદાસ્પદ પરિપત્રની જોગવાઇને લઇ થઇ રહેલા ખોટા અર્થઘટનને લઇ હાઇકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. અરજદાર બહેનો તરફથી એલઆરડી ભરતીમાં તેમને મેરિટ મુજબ સમાવી લઇ નિમણૂંક આપવા દાદ માંગવામાં આવી હતી. દરમિયાન રાજય સરકાર તરફથી બહુ મહત્વપૂર્ણ નિવેદન કરી હાઇકોર્ટ સમક્ષ હૈયાધારણ અપાઇ હતી કે, રાજય સરકાર આ તમામ વિવાદો અને સમસ્યાનું નિરાકરણ થાય તે પ્રકારે આવતીકાલે નવો પરિપત્ર જારી કરશે, તેથી અરજદારોની સમસ્યાનું સમાધાન થઇ જશે. જસ્ટિસ બીરેન વૈષ્ણવે સરકારના નિવેદનને ધ્યાનમાં લઇ કેસની વધુ સુનાવણી તા.૧૮મી ફેબ્રુઆરીના રોજ મુકરર કરી હતી. અરજદાર દિવ્યાબહેન ચૌધરી સહિત અનામત કેટેગરીની ૧૫૫ બહેનો તરફથી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ વિજય નાંગેશે મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, એલઆરડી ભરતીને લઇ સરકારે સૌપ્રથમ જનરલ મેરિટ લીસ્ટ બનાવવુ જોઇએ.

                તેમાં જો એસસી, એસટી અને ઓબીસીની બહેનોનું મેરિટ ઉંચું હોય અને જનરલમાં સમાવિષ્ટ થતી હોય તેઓને જનરલ મેરિટલીસ્ટમાં સમાવી લેવી જોઇએ અને ત્યારબાદ રિર્ઝવ કેટેગરીનું મેરિટ લીસ્ટ બનાવવું જોઇએ. સરકાર દ્વારા તા.૧-૮-૨૦૧૮ના પરિપત્રનું ખોટું અર્થઘટન થઇ રહ્યું છે, જેના કારણે સેંકડો ઉમેદવારોને ભારોભાર અન્યાય થઇ રહ્યો છે ત્યારે આ મામલે હાઇકોર્ટે દરમ્યાનગીરી કરવી ન્યાયોચિત બની જાય છે. દરમ્યાન રાજય સરકાર તરફથી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં મહત્વનું નિવેદન કર્યું હતું કે, આવતીકાલે રાજ્ય સરકાર આ મુદ્દે નવો જીઆર બહાર પાડશે. અરજદારોની માંગણી નવી પોલિસી અંતર્ગત સંતોષાઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉપરાંત, ૧૮ ફેબ્રુઆરીએ નવો પરિપત્ર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી હૈેયાધારણ આપવામાં આવતાં હાઇકોર્ટે  કેસની વધુ સુનાવણી તા.૧૮મી ફેબ્રુઆરી પર મુકરર કરવામાં આવી હતી.
             ઉલ્લેખનીય છે કે, એલઆરડીની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ના શકે તેવી જોગવાઇ સાથેના જીએડીએ બહાર પાડેલા તા.૧-૮-૨૦૧૮ના ઠરાવને રદ કરવાની માંગણી સાથે છેલ્લા ૬૫ દિવસથી ગાંધીનગરમાં એસસી, એસટી અને ઓબીસીની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે, જેની સામે રાજય સરકારે ગઇકાલે નમતું જોખી જીએડીના વિવાદીત ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી. આ સમગ્ર મામલે સરકારે આજે હાઇકોર્ટમાં નવો પરિપત્ર જારી કરવાની હૈયાધારણ આપતાં આવતીકાલના પરિપત્રની હવે રાહ જોવાઇ રહી છે કે તેમાં સરકાર શું સુધારો, ફેરફાર કે સ્પષ્ટતા કરે છે. અનામત કેટેગરી અને બિન અનામત કેટેગરીને લઈને હવે જોરદાર દુવિદા ઉભી થઈ છે. સરકાર સામે પણ નવા પડકારો આવી ગયા છે. હાઈકોર્ટમાં મામલો પહોંચ્યા બાદ નવા પરિપત્રને લઈને પણ હવે ચર્ચા છે. આમા શું આવશે તેને લઈ  ઉત્સુક્તા વધી છે.

(9:35 pm IST)