Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વિવાદ વચ્ચે સાધકો નિત્યાનંદ આશ્રમ છોડી રહ્યા છે : રિપોર્ટ

નિત્યાનંદ આશ્રમ ખાલી વિવાદના ઘેરામાં : આશ્રમ ખાલી થયા બાદ હવે નિત્યાનંદની સામે કાર્યવાહી

અમદાવાદ, તા. ૨ : નિત્યાનંદ આશ્રમ વિવાદ દિન પ્રતિદિન ઘેરો બની રહ્યો છે ત્યારે આશ્રમમાંથી મોટી સંખ્યામાં સાધકો અને સાધિકાઓની હિઝરત શરૂ થઇ ચુકી છે. આ સિલસિલો હજુ પણ જારી રહ્યો છે. આજે નિત્યાનંદ આશ્રમમાંથી સાધક-સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થતા જોવા મળ્યા હતા. આમ, હવે એકબાજુ, ડીપીએસ સ્કૂલની માન્યતા રદ થઇ ગઇ છે એટલે સ્કૂલને તાળા વાગી જવાના છે, તો નિત્યાનંદ આશ્રમને પણ પોતાના ઉચાળા અમદાવાદમાંથી ભરવાનો વારો આવ્યો છે. આશ્રમની જગ્યા સૂમસામ અને ખાલી ખાલી જણાતો હતો. આશ્રમમાં રહેતા કેટલાક બાળકોના વાલીઓ પણ આશ્રમમાં પહોંચ્યા હતા અને તેમના બાળકોને લઈને જઈ રહ્યા હતા. બીજીબાજુ, આશ્રમના સાધક, સાધિકાઓ પોતાનો માલ-સામાન, બેગ લઇ જતાં જોવા નજરે પડયા હતા જો કે, તેઓ ક્યાં જઈ રહ્યા છે તે બાબતે પૂછતાં તેઓએ જવાબ આપ્યો ન હતો.

          ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ આશ્રમના વિવાદમાં સ્કૂલે ત્રણ મહિનામાં આશ્રમ ખાલી કરવા નોટિસ આપી હતી. જેને પગલે આશ્રમના આજે સવારથી જ અંદર રહેતા સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થઈ ગયા હતા. દરમ્યાન સીટની ટીમે હવે નિત્યાનંદ સામે પણ તપાસનો દોર લંબાવ્યો છે. જેના માટે હવે તખ્તો તૈયાર થઈ ગયો છે. તેની સામે ઇન્ટરપોલની નોટિસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બંને યુવતીઓને શોધવા માટે બ્લુકોર્નર નોટિસ તૈયાર કરી દેવામાં આવી છે. આજે આ નોટિસ જાહેર કરવાનો પત્ર સીઆઈડી ક્રાઈમને મોકલવામાં આવશે. જે સીબીઆઇને મોકલવામાં આવશે અને તેઓ ઇન્ટરપોલને જાણ કરશે અને ત્યારબાદ આ નોટિસ જાહેર કરવામાં આવશે. બ્લુકોર્નર નોટિસ એવા લોકો સામે જારી કરવામાં આવે છે જે લોકોની પોલીસને તલાશ હોય છે. આરોપી સામે આ નોટિસ જારી કરાતી નથી પરંતુ પીડિતો અથવા તો સાક્ષીઓ માટે આ પ્રકારની નોટિસ જારી કરવામાં આવે છે. ટૂંકમાં સમયમાં નિત્યાનંદ સામે પણ નોટિસ જાહેર કરવામાં આવશે તેવી માહિતી પોલીસ સૂત્રો તરફથી મળી રહી છે. ગુજરાત પોલીસ દ્વારા આગામી દિવસોમાં નિત્યાનંદ સુધી ગાળિયો કસાય તેવી પણ શકયતા પ્રવર્તી રહી છે.

(8:38 pm IST)