Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પાટણમાં રબારી સમાજની મહિલાઓએ ઘુમટાપ્રથાનો ત્યાગ કરવા શપથ લીધા

મહિલા સંમેલનમાં પ્રખર વક્તા કાજલ ઓઝા વૈદ્યએ દીકરી-દીકરાનો ભેદ મિટાવવા આહવાન કર્યું

પાટણમાં દેસાઈ સમાજ સેવા ટ્રસ્ટ અને ગોપાલક મહિલા મંડળ દ્વારા રવિવારે યોજાયેલા રબારી સમાજના મહિલા સંમેલનમાં મહિલાઓએ ઘૂમટા એટલે કે લાજ કાઢવાની રૂઢિચુસ્ત પ્રથાનો ત્યાગ કરવા વાળીનાથ ભગવાનના નામે શપથ લીધા હતા. આ સંમેલનમાં મહિલાઓને ઘુમટા પ્રથામાંથી મુક્તિ, હોસ્પિટલમાં ટિફિન નહીં મોકલવા તેમજ અંદરો અંદર પહેરામણી નહીં કરવી સહિતના ઠરાવ કરાયા હતા.

  એમ.કે. એન્જિનિયરિંગ કોલેજમાં મહિલા સંમેલનમાં પ્રખર વક્તા કાજલ ઓઝા વૈદ્યએ જણાવ્યું કે, સ્ત્રી દીકરા દીકરીનો ઉછેર કરે છે તો પછી દીકરા દીકરીમાં ભેદ શા માટે, હવે મહિલાએ તેના સંતાનને મહિલાનું સન્માન કરતા શીખવવું પડશે. સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા તેમજ સામાજિક અને પારિવારિક જીવનમાં બહેનો નિર્ણય કરતી અને આગેવાની લેતી થાય તે માટે આહ્વાન કર્યું હતું.

  કાર્યક્રમનાં કન્વીનર મધુબેન દેસાઇએ જણાવ્યું કે, રબારી સમાજની બહેનો કામ તો કરે છે પરંતુ આગળ આવતી નથી. આથી સૌપ્રથમ લાજ કાઢવાનું બંધ થાય તેવો નિર્ણય કરાયો હતો અને પાટણના દ્વારકેશ કન્યા છાત્રાલયના સંચાલક અને નિવૃત્ત આચાર્ય મગનભાઈ દેસાઈ દ્વારા તમામ બહેનોને વાળીનાથ ભગવાનના નામે શપથ લેવડાવ્યા હતા. જેમાં તમામ બહેનો અને ઉપસ્થિત ભાઈઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

(7:49 pm IST)