Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સુરતમાં મુસાફરના સ્વાંગમાં રાહદારીઓને હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરનાર ટોળકીની રંગે હાથે ધરપકડ: 15 ગુનાહના ભેદ ઉકેલાયા

સુરત: શહેરમાં ઓટો રીક્ષામાં સહમુસાફરનો સ્વાંગ રચી અને રાહદારીઓના હાથમાંથી મોબાઇલ સ્નેચીંગ કરી વેચાણ કરવાના ઓર્ગેનાઇઝ ગેંગનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરતા રીક્ષા ચાલક અને ગેરરીતિથી મેળવેલા મોબાઇલ ફોન ખરીદનાર સહિત સાત જણાની ગેંગને ઝડપી પાડી 15 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. આ ગેંગ પાસેથી રૃ. 11.37 લાખના 131 નંગ મોબાઇલ, રોકડા રૃ.13.90 લાખ અને પૈસા ગણવાનું મશીન પણ કબજે લેવાયું હતું. પોલીસે બોટાદના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ ટી.એ.ગઢવીને મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે અઝરૃદીન ઉર્ફે અઝર નિઝામ શેખ, સાદીક ઉર્ફે જમ્બુરા શકીલ શેખ, કલીમ ઉર્ફે કલ્લુ સલીમ શેખ, હાફીસખાન ઉર્ફે બાબા ફિરોઝખાન, ઇરફાન ઉર્ફે ઇપ્પુ સત્તાર મન્સુરી, ઇમરાન ઉર્ફે લંગડો સત્તાર મન્સુરી (તમામ રહે. ભેસ્તાન આવાસ, ડીંડોલી)ને ઓટો રીક્ષા સાથે ઝડપી પાડયા હતા. પોલીસે રીક્ષા ચાલક હાફીસખાન ઉર્ફે બાબા સહિતના તમામની આગવી ઢબે પુછપરછ કરતા તેઓ અગાઉ જુદા-જુદા પોલીસ મથકમાં મોબાઇલ સ્નેચીંગના ગુનામાં ઝડપાય ચુકયા હોવાની કબુલાત કરી હતી. ઉપરાંત હાલમાં તેઓ ઓટો રીક્ષામાં સહમુસાફરનો સ્વાંગ રચી રસ્તામાંથી મુસાફરને બેસાડી આગળ-પાછળ ધક્કો મારી અત્યંત ચાલાકી પૂર્વક મોબાઇલ ફોન તફડાવી લેવા ઉપરાંત મોબાઇલ ફોન પર વાત કરતા-કરતા જઇ રહેલા રાહદારીના હાથમાંથી  પણ મોબાઇલ તફડાવી લેતા હતા. બાદમાં મોબાઇલ ફોન જુનેદ ઉર્ફે ખારેક અસ્લમ કાપડીયા (ઉ.વ.24 રહે. બી/01, મદીના એપાર્ટમેન્ટ, સિંધીવાડ, ભાગતળાવ) ને વેચી દેતા હતા. જેથી પોલીસ ટીમે જુનેદના ઘરે દરોડા પાડયા હતા. જયાંથી અધધ...કહી શકાય એમ અલગ-અલગ કંપનીના 131 નંગ મોબાઇલ, 1 આઇપેડ કિંમત રૃ.11.37 લાખ ઉપરાંત રોકડા રૃ.13.90 લાખ અને પૈસા ગણવાનું મશીન મળી કુલ રૃ.16.12 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. 

(6:02 pm IST)