Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સંસ્કૃત ક્ષેત્રમાંથી જે કોઇ આગળ આવે છે તે દેશનો કર્ણધાર બની શકે છે : શા.માધવપ્રિયદાસજી સ્વામી

આગામી રાજ્યસ્તરીય સ્પર્ધામાં ચારેય વેદોનો પણ સમાવેશ કરવામાં આવશે: ગોવિંદભાઇ પટેલ (ગુજરાત પ્રદેશ સંસ્કૃત પાઠશાળા મંડળ, અમદાવાદ): SGVP ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધા સમાપન સમારોહ સંપન્ન

અમદાવાદ તા.2:  ગુજરાત રાજ્ય સરકાર ગાંધીનગરના સહયોગથી, SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના યજમાન પદે  તા.૨૭ નવેમ્બરથી ૨૯ નવેમ્બર ૨૦૧૯ દરમ્યાન રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા શરુ થયેલ, જેમાં વ્યાકરણ શલાકા, સાહિત્ય શલાકા, મીમાંસા શલાકા, ન્યાય શલાકા, પુરાણેતિહાસ શલાકા, વેદાન્ત શલાકા, વ્યાકરણ ભાષણમ્, વગેરે ૨૭ વિષયો રાખવામાં આવેલ છે

    આ સ્પર્ધામાં ગુજરાતની ૪૦ જેટલી પાઠશાળાઓમાંથી ૩૫૦ ઋષિકુમારો ભાગ લઇ લીધો હતો.

    સમાપન સમારોહમાં પૂ.માધવપ્રિયદાસજી સ્વામી,પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, યોગસેવકશ્રી શિશપાલજી, ગોવિંદભાઇ પટેલ, બીપીનભાઇ જોષી તથા રામપ્રિયજી, અજયભાઇ ભટ્ટના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ.

    દિપ પ્રાગટ્ય બાદ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીજીએ જણાવેલ કે આ સ્પર્ધામાં જે કોઇ વિજેતા થયા છે ને જેણે જેણે આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને જે પ્રાધ્યાપકોએ ઋષિકુમારોને સહાય કરી છે તે તમામને અભિનંદન છે.

    હાર કે જીત તે મહત્વનું નથી પણ દિલથી આ સ્પર્ધામાં ભાગ લેવો મહત્વનું છે. ખરેખર સંસ્કૃત સ્પર્ધામાં આવડી મોટી સંખ્યામાં ઋષિકુમારોએ જે ભાગ લીધો છે તે પ્રશંસનીય છે. સંસ્કૃત ક્ષેત્રમાંથી જે કોઇ આગળ આવે તે રાષ્ટ્રના કર્ણધાર બની શકે છે. ખરેખર આ ભારત ભૂમિમાં જે જન્મ ધરે તેના યશોગાન તો દેવતાઓ પણ ગાય છે.

    દેશની સંસ્કૃતિ અને શાસ્ત્રોની રક્ષા માટે જે ભૂદેવોએ પોતાના પ્રાણની આહુતિ આપી તેને અભિનંદન ! ભારત એવો દેશ છે જ્યાં ધન કરતા જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવે છે.

    સતત ત્રણ દિવસ ચાલેલ સ્પર્ધામાં સૌથી વધારે ગુણ મેળવનાર બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય સાંદિપની આશ્રમ પોરબંદર પ્રથમ નંબરે, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વિતીય સ્થાને અને વરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય સોલા ભાગવત વિ્દ્યાપીઠ તૃતીય સ્થાને આવતા વિજય વૈજયંતી ટ્રોફી ઉપરોક્ત મહાનુભાવોના હસ્તે અેનાયત કરવામાં આવેલ. આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા ગોવિંદભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

    સભાનું સંચાલન સંસ્કૃત ભાષામાં થયું હતું. એનો દોર ચિંતનભાઇ જોષીએ સંભાળ્યો હતો. આભાર વિધિ ગુજરાત શિક્ષક મંડળના પ્રમુખ શ્રી બીપીનભાઇ જોષીએ કર્યું હતું. પ્રથમ આવેલ સ્પર્ધકો આગામી જાન્યુઆરી ૨૦૨૦ માં ત્રિપુરાની રાજધાની અગરતલા ખાતે યોજાતી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં જશે

 

 

(12:01 pm IST)