Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ઉદ્યોગ ધંધામાં ગુજરાતના ચારેકોર ડંકા વાગે છે પણ બાળકોના આરોગ્ય મુદે પાંચમા ક્રમે

૧પ થી ૪૯ વર્ષની મહિલાઓના ઓછા વજનના મામલે ગુજરાત ચોથુ

નવી દિલ્હી, તા.૨: ભારતના મોટર ટાઉન કહેવાતા સાણંદને ભારતમાં ઇન્ડસ્ટ્રી અને ઉદ્યોગના રોલ મોડેલ તરીકે દર્શાવાય છે. વર્ષ ૨૦૦૮માં જયારે ટાટાનો નેનો પ્લાન્ટ અહીં આવ્યો ત્યારથી આ જગ્યાને ઔદ્યોગીક વિકાસ સાથે લોકોના સારા આરોગ્ય માટેની રોલ મોડલ ગણાય છે. ભલે એકલા સાણંદમાં ૨૫૦૦૦ કરોડ કરતા વધારેનું રોકાણ થયું અને તેના તેના કારણે સાણંદ ચમકી રહ્યું હોય પરંતુ તેની બીજા બાજુ એટલી જ કાળી છે. તે છે રાજયમાં મહિલા અને બાળકોની કથડતી જતી આરોગ્યની સ્થિતિ.

દેશમાં અન્ય રાજયોની સરખામણીએ નવજાતથી લઈને ૫ વર્ષના બાળકોના ઓછા વજન મામલે ગુજરાત પાંચમો નંબર આવે છે. જયારે ૧૫ થી ૪૯ વર્ષની મહિલાઓના ઓછા વજન મામલે ગુજરાત ચોથા નંબરે છે. એકલા અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો ૩૧ ટકા બાળકો ઓછું વજન ધરાવે છે.

આ પાછળના મુખ્ય કારણોમાં ઓછું ભણતર, ફેમિલી પ્લાનિંગ અંગેની સમજણનો અભાવ અને નાની ઉંમરે લગ્ન છે. તેમાં પણ ખાસ કરીને રાજયના ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ ઓછું વજનના કેસ વધુ નોંધાયા છે. વધારામાં રાજયના જુદા જુદા શિશુ કુપોષણ સારવાર કેન્દ્રોના કર્મચારીઓ દ્વારા આપવામાં આવતા રિપોર્ટમાં જોવા મળ્યું છે કે હાલ કુપોષણના કારણે વધુને વધુ બાળકોને આવા સારવાર સેન્ટરમાં ભરતી કરવામાં આવી રહ્યા છે.

આવું થવાનું કારણ પૂરતો હેલ્ધી ખોરાક આપવાની જગ્યાએ બાળક અને માતાઓ ૫-૫ રુપિયામાં મળતા જંક ફૂડના પેકેટ ખરીદીને ખાતા હોય છે. જોકે સરકારી અધિકારીઓ રિપોર્ટના વિરોધાભાસી નિવેદન આપતા કહી રહ્યા છે કે રાજયમાં ઓછું વજન અને કુપોષણ મામલે સ્થિતિ હવે ધીરે ધીરે સુધરી રહી છે.

(11:43 am IST)