Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

BRTS ડ્રાઈવરને સાથે રાખી ગુના મામલે રિકન્સ્ટ્રક્શન થયું

રિકન્સ્ટ્રક્શન રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને સોંપાશે : બસ ચાલકે રેડ સિગ્નલમાં બસ તેમજ બાઈકચાલકે યલો સિગ્નલમાં બાઈક ચલાવી હોવાનો અહેવાલમાં ઘટસ્ફોટ

અમદાવાદ, તા. ૧ : શહેરના પાંજરાપોળ પાસે ૨૧ નવેમ્બરે બીઆરટીએસ બસે એક બાઈકને અડફેટે લેતા બે સગાભાઈઓના ઘટના સ્થળે મોત થયા હતા. બીઆરટીએસ બસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માત કેસમાં આજે સવારે ટ્રાફિક પોલીસ અને એફએસએલ તેમ જ અમ્યુકો અધિકારીઓની હાજરીમાં આરોપી બસ ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક એસીપી એ.એમ.પટેલ અને એફએસએલની ટીમે સમગ્ર ઘટના કઈ રીતે બની તેની સમગ્ર માહિતી મેળવી હતી. હવે રિકન્સ્ટ્રક્શન બાદ તેનો રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવશે.

           પોલીસે કરેલી તપાસ અને એફએસએલ રિપોર્ટ તેમજ રિકન્સ્ટ્રક્શનમાં બસચાલકે રેડ સિગ્નલમાં બસ ચલાવી હતી, જ્યારે બાઈકચાલકે યલો સિગ્નલમાં નીકળ્યો હોવાનો ખુલાસો સામે આવ્યો હતો. આરોપી ચિરાગ બસ રોકી અકસ્માત નિવારી શકતો હોવા છતાં તેણે રેડ સિગ્નલમાં બસ ચલાવી દીધી હતી. અગાઉ એફએસએલના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, બસના ચાલકે બે ભાઇઓને ઉડાવ્યા છતાં પણ ડ્રાઇવરે બીઆરટીએસ બસને બ્રેક મારી ન હતી. એફએસએલ રિપોર્ટ મુજબ, સ્થળ તપાસ દરમિયાન બીઆરટીએસના ચાલકે અકસ્માતના થોડા સમય બાદ હોબાળો થતાં બ્રેક મારી હતી, પરંતુ બે ભાઇઓને બચાવવા માટે બ્રેક જ મારી ન હતી. જેથી પોલીસે આ કેસમાં આરોપી ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિ વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ-૩૦૪ પણ ઉમેરી હતી, જેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંજૂર રાખી હતી. આમ, આરોપી ડ્રાઇવર વિરૂધ્ધ મજબૂત કેસ બનાવવાનો પોલીસે પ્રયાસ કર્યો છે.

(9:40 pm IST)