Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સામૂહિક દુષ્કર્મ મામલામાં આરોપી હજુ ઝડપાયા નથી

વડોદરા પોલીસની ક્ષમતા અને શાખ સામે સવાલ : વડોદરા અને તેની આસપાસ આવેલા તમામ વિસ્તારોમાં આરોપીઓના સ્કેચ લગાવાયા : ૨૩ ટીમો દ્વારા ચકાસણી

અમદાવાદ, તા.૧ : વડોદરાના નવલખી મેદાનમાં ગુરૂવારે રાતે સગીરા પર થયેલા ગેંગરેપની તપાસ રાવપુરા પોલીસ પાસેથી લઈ આખરે વડોદરા ક્રાઈમ બ્રાંચને સોંપી દેવાઇ છે. ઘટનાને ત્રણ દિવસ વીતવા છતાં હવસખોર આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે, જેને લઇને હવે વડોદરા પોલીસની શાખ અને ક્ષમતા સામે સવાલ ઉઠી રહ્યા છે. જેને લઇ સમગ્ર કેસની તપાસ આખરે વડોદરા ક્રાઇમ બ્રાંચના એસીપીને સોંપાઈ છે. કિશોરીને પીંખી નાંખી સમાજમાં ખુલ્લેઆમ ફરતાં હવસખોરોને પકડવા પોલીસની ૨૩ ટીમો બનાવાઈ છે, પરંતુ હજુ સુધી આરોપીઓના કોઈ ઈનપુટ મળ્યા નથી. પોલીસે સ્કેચ સાથે મળતાં આવતાં દોઢ સો જેટલા શકમંદોને તપાસ્યા હતા.

          આરોપીઓને પકડવા માટે પોલીસે વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં બંને નરાધમ આરોપીઓના નવા સ્કેચ ચોંટાડયા અને પબ્લીકને માહિતી આપવા અનુરોધ કર્યો છે. નવલખી મેદાનમાં સગીર વયના મંગેતર સાથે અંધારામાં બેઠેલી કિશોરીને ગુરૂવારે રાતે બે હવસખોરો ઝાડીઓમાં લઈ ગયા હતા. ત્યારબાદ બંને આરોપીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. સગીરાને ગંભીર હાલતમાં છોડી બંને આરોપીઓ નાસી છુટયા હતા. આ બનાવની રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ પોલીસની ઈજ્જત દાવ પર લાગી હોવાથી પોલીસ કમિશનરે આ જદ્યન્ય અપરાધની તપાસ ક્રાઈમ બ્રાંચના એસીપી ધર્મેન્દ્રસિંહ ચૌહાણને સોંપી છે. આ ઉપરાંત બંને હવસખોરોને પકડવા ૨૩ ટીમો બનાવાઈ છે.

           જેમાં ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પીસીબી, જેપી રોડ, રાવપુરા, નવાપુરા અને મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોલીસની જુદી-જુદી ટીમો અત્યારે માત્ર શકમંદોને શોધી તેમની પુછપરછ કરી રહી છે. આ ઘટના બાદ ભારે ઊહાપોહ થતાં નવલખીમાં પોલીસ પેટ્રોલીંગ મજબુત કરી દેવાયું હતું, પરંતુ કેટલાક હપ્તાખોર પોલીસ કર્મીઓેએ તેને પણ કમાણીનું સાધન બનાવી દીધુંં. ખાખી વર્ધીના નામે કલંક છે, તેવા ખાઈ બદેેલા પોલીસ કર્મીઓના આશીર્વાદના કારણે રાતે તો ઠીક ભરબપોરે પણ નવલખીમા દારૂની પાર્ટીઓ થતી હતી.

          સાથે ડ્રગ એડિક્ટ પણ ઝાડીઓમાં પડી રહેતા હતા. આ ગેરકાનૂની ગોરખધંધા કરતાં અસામાજીક તત્વો પાસેથી હપ્તા લઈ પોલીસ આંખ આડા કાન કરતી હતી. પ્રેમી-પંખીડાઓ પાસેથી પણ દોઢ થી બે હજાર રૂપિયા પોલીસ પડાવવાનું ચૂકતી ન હતી. પોલીસ અહીં આવીને ખર્ચો - પાણી કાઢી લે છે, તેવી છાપ ઉભી થતાં સંસ્કારીનગરી વડોદરાના નાગરિકોમાં પોલીસ પરત્વે ઉગ્ર આક્રોશની લાગણી ફેલાવા પામી છે.

(8:45 pm IST)