Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

પાલીતાણા : શ્રમ આરોગ્ય હેલ્થ ચેક-અપનો કાર્યક્રમ

ચેકઅપ કાર્યક્રમ બે દિવસ ચાલશે

અમદાવાદ,તા. ૮  :જૈન પરિવારોને એક સૂત્રથી બાંધતી જીતો સંસ્થાના શ્રમણ આરોગ્યમ અભિયાન દ્વારા જૈન સાધુ-સાધ્વી ભગવંતની વૈયાવચ્છ સેવા નિમિત્તે પાલીતાણામાં તા.૯ અને ૧૦ નવેમ્બરના રોજ શ્રમ આરોગ્યમ મેડિકલ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન ધર્મમાં વૈયાવચ્છ સેવાનું એક ખાસ મહત્વ રહેલ છે. વૈયાવચ્છ એટલે જૈન પરિવારો અને જૈન શ્રાવકો દ્વારા જૈન સાધુ તેમજ સાધ્વી ભગવંતના સ્વાસ્થ્યનું જતન કરવું, જે હેઠળ તેમને શક્ય તેવી તમામ આરોગ્ય વિષયક તેમજ મેડિકલને લગતી સેવાઓ પુરી પાડવામાં આવે છે. વૈયાવચ્છ વિશે ભગવાન મહાવીરે કહ્યું છે કે જે લોકો સાધુ અને સાધ્વી ભગવંતની વૈયાવચ્છ સેવા કરે છે તેઓ વાત્સવમાં તીર્થંકર ભગવાનની જ સેવા કરતાં હોય છે.

           જીતો દ્વારા જૈન સાધુ તેમજ સાધ્વી ભગવંતની વૈયાવચ્છ સેવાના અભિયાન - શ્રમણ આરોગ્યમની માહિતી આપતાં શ્રમણ આરોગ્યમ અભિયાનના રાષ્ટ્રીય ચેરમેન શ્રી હિમાંશુભાઇ શાહે જણાવ્યું કે, શ્રમણ આરોગ્ય દ્વારા અમે સમગ્ર ભારતમાં સતત વિહાર કરતાં સાધુ તેમજ સાધ્વી ભગવંતની આરોગ્ય સેવા માટે કટિબદ્ધ છીએ. શ્રમણ આરોગ્યમ આ કાર્ય ખુબજ વૈજ્ઞાનિક તેમજ તર્કબદ્ધ રીતે કરી રહે છે. આ કાર્યને પૂર્ણ કરવાં દેશભરમાં વિહાર કરતાં લગભગ ૧૪૦૦૦ જેટલાં સાધુ તેમજ સાધ્વીને હેલ્થ કાર્ડ પુરા પાડવામાં આવ્યાં છે અને સાથે-સાથે સમગ્ર ભારતમાં ૧૪૦૦૦થી પણ વધુ હોસ્પિટલ અને મેડિકલ કેન્દ્રો સાથે જોડાણ કરી આ તમામ હોસ્પિટલમાં સાધુ અને સાધ્વી ભગવંતને કેશલેસ મેડિકલ સેવાઓ પુરી પાડવામાં આવે છે. આ પવિત્ર કાર્યને સંપન્ન કરવા શ્રમણ આરોગ્ય દ્વારા હાલ સુધીમાં રૂ. ૩૦ કરોડના ખર્ચે ૪૫૦૦ જેટલાં સુધી તેમજ સાધ્વી ભગવંતને આરોગ્ય સેવાઓનો લાભ મળ્યો છે.

                  પાલીતાણામાં આયોજિત કેમ્પનો લાભ ૭૦૦ જેટલાં ગુરુ-ભગવંત લેશે, જેમાં મુંબઇ, જોધપુર તેમજ પાલીતાણાથી ૩૦ જેટલાં નિષ્ણાંત તબીબો પોતાની સેવાઓ પુરી પાડશે. તબીબોની આ ટીમમાં જનરલ પ્રેક્ટિશનર્સ, એમડી ફિઝિશિયન, કાર્ડિયોલોજીસ્ટ, ગાયનેક મહિલા તબીબો, ડાયાબિટિસ તથા અન્ય બિમારીઓના તબીબો તેમજ હોમિયોપેથી અને આયુર્વેદના તબીબોનો સમાવેશ કરવામાં આવેલ છે. શ્રી હિમાંશુભાઇએ ઉમેર્યું હતું કે, જૈન સાધુ અને સાધ્વી ભગવંત પાસેથી ઘણું શીખવાનું છે. આજે જ્યારે માનવ-સુદાય સુખ-સંપત્તિ-સેહાબીની પરાકાષ્ઠા વચ્ચે જીવી રહે છે ત્યારે જૈન સુધી તેમજ સાધ્વ ભગવંતની સાદગી આપણને એક દિશા-સૂચન પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે આજે જીતો સંસ્થા ૧૫૦૦૦થી પણ વધુ સભ્યો સાથે સમગ્ર વિશ્વમાં પ્રસરેલી છે. શિક્ષિત યુવાનો અને યુવતીઓ તથા વ્યવસાયમાં આગળ આવવા ઇચ્છતા વ્યક્તિઓને તમામ પ્રકારની મદદ પુરી પાડી તેમના સ્વપ્ન સાકાર કરવા સહાયભૂત બનવાનો જીતોનો અભિગમ છે.

(9:34 pm IST)