Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ગુજરાત : ૧૫૭૫૭ મહિલા ટેલિફોન સતામણીનો શિકાર

અમદાવાદ જિલ્લામાં આંકડો ૩૪૧૦ સુધીનો છે : મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓને તેમના ફોન પર અશ્લિલ, બ્લેકમેઇલિંગ, પ્રેશર ફોન આવે છે : રિપોર્ટ

અમદાવાદ, તા. ૮ : અમદાવાદમાં મહિલાઓને મોટી સંખ્યામાં ટેલિફોન પર સતામણીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ જારી કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષના ગાળામાં અમદાવાદમાં ૩૪૧૦થી વધુ મહિલાઓને ટેલિફોન ઉપર સતામણીનો સામનો કરવાની ફરજ પડી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮માં ૯૫૩ મહિલાઓને ટેલિફોનિક સતામણીનો સામનો કરવાની ફરજ પડી હતી જ્યારે ૨૦૧૯માં આ આંકડો ૬૪૮નો રહ્યો છે. ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીમાં અમદાવાદમાં આંકડો સૌથી વધારે રહ્યો છે. સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિતના જુદા જુદા વિસ્તારોમાં ફોન પર મહિલાઓની જાતિય સતામણીના આંકડા ચોક્કસપણે નોંધાયા છે પરંતુ અમદાવાદ કરતા આ તમામ જગ્યાઓ ઉપર આંકડાઓ ઓછા રહ્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વર્ષ ૨૦૧૪માં ૫૭૯ મહિલાઓને ટેલિફોન પર જાતિય સતામણીનો સામનો કરવો પડ્યો હતો. જાણિતા અથવા તો વણઓળખાયેલા લોકો દ્વારા દબાણ લાવી અથવા તો બ્લેકમેઇલિંગ કરવાના પ્રયાસો મહિલાઓને કરવામાં આવ્યા હતા. 

                   આ ઉપરાંત તેમના મોબાઇલ ફોન ઉપર દરરોજ ઘણી બધી મહિલાઓ અને યુવતીઓને અશ્લિલ કોલનો સામનો પણ કરવો પડે છે. આવા અનેક મામલાઓ સપાટી ઉપર આવી ચુક્યા છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ગુજરાતમાં ૧૫૭૫૭ મહિલાઓને તેમના ફોન પર સતામણીનો સામનો કરવો પડ્યો છે. અથવા તો બ્લેકમેઇલિંગ કરવાના ફોન આવતા રહ્યા છે. તેમના પર દબાણ લાવવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા માટેનો આંકડો ૩૪૧૦નો રહ્યો છે. ગુજરાતમાં આવી ભોગ બનેલી મહિલાઓ પૈકી પાંચમાંથી વધુ અમદાવાદમાં રહી છે. જીવીકે ઇએમઆરઆઈ દ્વારા ૧૮૧ અભિયમ હેલ્પલાઈન ચલાવવામાં આવી રહી છે જે મહિલાઓને અનેકરીતે મદદ કરે છે. ભોગ બનેલી મોટી સંખ્યામાં મહિલાઓ સતત વધી રહી છે. ૨૦૧૪ બાદથી આંકડો સતત વધ્યો છે. અભિયમ કાઉન્સિલરોના જણાવ્યા મુજબ ભોગ બનેલી મહિલાઓ પૈકી ૬૫ ટકાની વય ૧૫થી ૪૫ વર્ષની રહેલી છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ આની ભારે ચર્ચા જોવા મળી રહી છે. તમામ આંકડા પાંચ વર્ષમાં રહેલા છે. જ્યારે ૨૦૧૯નો આંકડો જાન્યુઆરીથી લઇને ઓક્ટોબર વચ્ચેનો રહેલો છે. જીવીકે ઇએમઆરઆઈના જનરલ મેનેજરના કહેવા મુજબ હેલ્પલાઈન દ્વારા સહાયતા અપાઈ રહી છે.

ટેલિફોનિક સતામણી...

અમદાવાદ, તા. ૮ : અમદાવાદ અને ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ફોન પર સતામણીના હજારો મામલાઓ સપાટી ઉપર આવીચુક્યા છે. જુદા જુદા વર્ષના આંકડા નીચે મુજબ છે.

ગુજરાત

વર્ષ........................................ ટેલિફોનિક સતામણી

૨૦૧૪.......................................................... ૫૭૯

૨૦૧૫....................................................... ૨૧૩૩

૨૦૧૬....................................................... ૨૭૩૮

૨૦૧૭....................................................... ૩૪૬૧

૨૦૧૮....................................................... ૪૦૨૮

૨૦૧૯....................................................... ૨૮૧૮

કુલ......................................................... ૧૫૭૫૭

અમદાવાદ

૨૦૧૪.......................................................... ૧૬૦

૨૦૧૫.......................................................... ૩૭૩

૨૦૧૬.......................................................... ૫૧૬

૨૦૧૭.......................................................... ૭૬૦

૨૦૧૮.......................................................... ૯૫૩

૨૦૧૯.......................................................... ૬૧૮

કુલ     ૩૪૧૦

(8:27 pm IST)