Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

નવરાત્રીમાં ધીંગી કમાણી કરનારા ગરબા આયોજકો હવે સ્ટેટ GSTનાં રડારમાં છે

પાસ-ટિકિટોનું વેંચાણ-ખેલૈયાઓની સંખ્યા વગેરેની વિગતો મંગાવાઇ

અમદાવાદ તા. ૯ :.. ગુજરાતનો સૌથી મોટો તહેવાર નવરાત્રી રંગે-ચંગે સંપન્ન થઇ ગયો છે. શેરી ગરબા ઉપરાંત ખાનગી પાર્ટી પ્લોટમાં પણ યુવાધન હિલ્લોળે ચઢયું હતું. ગ્રુપ સાથે ગરબે ઘુમવા ખેલૈયાઓએ પાંચસોથી બે હજાર રૂપિયા સુધીના પાસ ખરીદ્યા હતાં. જો કે, આ ગરબાના આયોજકોએ પણ નવરાત્રીનું આયોજન કરી કરોડો રૂપિયા કમાઇ લીધા, પરંતુ તેનો જીએસટી ચુકવવાનું ચૂકી ગયા હોવાથી સ્ટેટ જીએસટી દ્વારા તમામ ગરબા આયોજકોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. હવે તેમના હિસાબોની તપાસ કરી જીએસટી વસુલવા માટેની કવાયત શરૂ થશે. ડીપાર્ટમેન્ટ દ્વારા જીએસટી વસુલવાની ખાસ વ્યુહરચના ઘડી કાઢવામાં આવી છે અને આગામી દિવસોમાં ગરબાના આયોજકો પર ત્રાટકે તેવી શકયતા છે.

અમદાવાદમાં ખાનગી ગરબાના આયોજનમાં પ્રવેશના પાસ વેચાયા હતાં. ગરબા આયોજકોએ ગરબાના પાસ ઉપરાંત લાખો રૂપિયાની જાહેરાતો અને પ્લોટમાં નાસ્તા-પાણીના સ્ટોલ ભાડે આપવાના લાખો રૂપિયા રળી લીધા છે. ખાનગી ગરબાના આયોજન ઉપર જે જીએસટી ભરવાનો થાય છે તે જીએસટી કોઇ જ ભરતું નથી એવું જણાવતા સુત્રો કહે છે કે, આવા ગરબા આયોજકો પાસેથી જીએસટી વસુલવા માટે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ નવરાત્રી દરમિયાન જ તમામ આયોજકોનું લીસ્ટ તૈયાર કરી દીધું છે. તેમના પાસ કેટલા રૂપિયામાં વેચાયા અને સરેરાશ કેટલા લોકો ગ્રાઉન્ડમાં હતા તેની વિગતો પણ એકઠી કરી છે.

અમદાવાદ ઉપરાંત ગુજરાતભરના ગરબા આયોજકોની વિગતો એકત્ર કર્યા બાદ હવે આ આવક ઉપર આયોજક પાસેથી કેટલો જીએસટી વસુલવાનો થાય તેના હિસાબો ચેક કરશે. જે આયોજકોના હિસાબમાં ઘાલમેલ હશે તો પગલાં ભરાશે.

(11:34 am IST)