Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

માધવગઢ : ૨૨૦ કરોડના ખર્ચે ૯ મીટર ઊંચો બેરેજ

૫૦થી વધુ ગામોને મોટો ફાયદો થશે

અમદાવાદ, તા.૧૩ : ગાંધીનગર શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી પર આવનાર દિવસોમાં ચેકડેમ બનાવવાની મંજૂરી મળી ગઇ છે. રૂ.૨૨૦ કરોડના ખર્ચે બનનારા ચેકડેમની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ બેરેજ બનવાથી ત્યાં રહેતા સ્થાનિકોને મોટી રાહત મળશે. ઉપરાંત અહીં જોવા મળતી પાણીની સમસ્યાનો પણ નિકાલ આવી જશે. માધવગઢ જોડે બનતા આ બેરેજની ઉંચાઇ નવ મીટરની છે. ઘણા વર્ષોથી માધવગઢ પાસે બેરેજ બનાવવાની માંગણીઓ કરવામાં આવી રહી હતી. જેના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. અંતે માધવગઢના સામેની બાજુએ અમરાપુર વચ્ચે બેરેજ બનાવવાની મંજૂરી મળી ગઇ છે. આ બેરેજ બન્યાં બાદ ઉનાળા અને શિયાળામાં પણ સાબરમતી નદી બે કાંઠે જોવા મળશે. એવી પણ આશા બંધાઇ છે કે, આ બેરેજ બનવાથી ગાંધીનગર, સાબરકાંઠા અને મહેસાણાના ૫૦થી વધુ ગામોને પાણીને લઇ મોટો ફાયદો થશે. સાથે જ બેરેજ નવ મીટર ઉંચો હોવાથી મીઠા પાણીનો ખુબ મોટો જથ્થો ઉપલબ્ધ બનશે. ગાંધીનગરના માધવગઢ પાસે બેરેજ બનાવવાની દરખાસ્ત રાજ્ય સરકાર પાસે આવી હતી. જેને ધ્યાનમાં લેતા ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં રૂ.૨.૫ કરોડની જોગવાઇ કરાઇ છે. માધવગઢના બેરેજ બનવાને લઇ ખાસ કરીને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે.

(9:53 pm IST)