Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અમદાવાદમાં ટૂકંમાં ૩૦૦ ઈ-બસ ફરતી કરવા તૈયારી

ઇલેક્ટ્રિક બસનો કન્સેપ્ટ : ૫૫૦ બસો મંજૂર કરાઈ : કેન્દ્ર દ્વારા ભારતના ૬૪ શહેર માટે ૫૫૯૫ ઈબસ મંજૂર કરાઇ છે : ઇ-બસની ખરીદીમાં ૪૦ ટકા સુધી સબસીડી

અમદાવાદ, તા.૧૩ : દેશભરમાં વધી રહેલા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર સતત ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. સરકારે એફએએમઇ-૨ સ્કીમ હેઠળ અમદાવાદમાં ૩૦૦ નવી ઇલેક્ટ્રિક બસ આપવાનો પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. જેથી ગુજરાતને ૫ાંચ શહેરોમાં ૫૫૦ ઇલેક્ટ્રિક બસ મળશે. ઉપરાંત અન્ય રાજ્યો માટે પણ કુલ ૫,૫૯૫ ઈ-બસ ફાળવવામાં આવી છે. જેને પગલે નજીકના ભવિષ્યમાં અમદાવાદના માર્ગો પર ૩૦૦ ઇ બસો દોડતી થશે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવા માટે થોડા સમય પહેલા જ કેન્દ્ર સરકારે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની સ્કીમ લોન્ચ કરી હતી. જેના ભાગરૂપે દેશના ૬૪ શહેરો માટે ૫,૫૯૫ ઈ-બસ મંજૂર થઇ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં ઈ-બસો ફરતી થશે.

અમદાવાદ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ ૩૦૦ ઈ-બસ મેળવનારા શહેરોમાં સામેલ છે. ઈ-બસ ખરીદવા પર ૪૦ ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવશે. જો કે, તેના માટે નક્કી કરેલા સમયગાળામાં બસ ખરીદવી પડશે. શહેર પોતાની જરૂરિયાત અનુસારે ૩ મોડલમાંથી કોઇપણ એક મોડલની બસ ખરીદી શકશે. એફએએમઇ-૨માં બસોની કેટેગરી સ્ટાન્ડર્ડ જેની લંબાઈ ૧૦થી ૧૨ મીટર છે, ત્યારબાદ ૮થી ૧૦ મીટરવાળી મીડી અને ૬થી ૮ મીટરવાળી મિનિ ઈ-બસનું વેચાણ કરવામાં આવશે. ઇ-બસના કારણે પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણ જાળવણીમાં ઘણી મદદ મળી રહેશે અને તેથી જ સરકાર તેની અમલવારીની દિશામાં હકારાત્મક અને અસરકારક પ્રયાસો કરી રહી છે.

(8:25 pm IST)