Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ચાર વર્ષની કાયદાકીય લડત : ફરીયાદીને હોટલ હયાતે દ્વારા રૂ.૨૦૯૫ ચૂકવવા આદેશ

પાણીની બોટલના રૂ.૯૫ વધારે લેવાયા બાદ

અમદાવાદ,તા.૧૩: અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હયાત રેજન્સી હોટલને ફરિયાદીને પાણીની બોટલના વધારાના લીધેલા ૯૫ રૂપિયા તથા માનસિક ત્રાસના ૨ હજાર રૂપિયા ચુકવવા હુકમ કર્યો હતો. આ કેસ બે વર્ષ ચાલ્યો હતો. કમિશનના હુકમના બે વર્ષ બાદ એટલે કે ચાર વર્ષ સુધી કાનૂની લડત ચલાવ્યા બાદ ફરિયાદીને ૨૦૯૫ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે.

ફરિયાદી રોહિત પટેલ ગઈ તા.૨૫મી જુલાઈ- ૨૦૧૫ના રોજ હયાત રેજન્સી હોટલમાં ગયા હતા. ત્યારે મીનરલ પાણીની બોટલ મંગાવી હતી. બોટલ પર ૩૦ રૂપિયા લખ્યા હતા પણ તેમની પાસે ૧૨૫ રૂપિયા લીધા હોવાથી તેમણે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં સપ્ટેમ્બર- ૨૦૧૫ના રોજ ફરિયાદ કરી હતી.

સાત મહિના પછી ગ્રાહક ફોરમે ફરિયાદ  રદ કરતાં એવું નોંધ્યું હતું કે, આ ફોરમને પ્રાઈસ ફીકસેશન કરવાની હકુમત પહોંચતી નથી. જેથી ફરિયાદી પટેલે ગ્રાહક કમિશનમાં અપીલ કરી હતી. જેની સુનાવણી બાદ કમિશને માનસિક ત્રાસ અને ખર્ચ પેટે ૨ હજાર રૂપિયા અને પાણીની બોટલના વધારાના ૯૫ રૂપિયા ચૂકવવા હુકમ કર્યો હતો.

કમિશનના હુકમના બે વર્ષ પછી પણ પાલન નહીં થતાં તેમણે ફરીવાર ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. ફોરમે બે નોટીસ કાઢયા બાદ હયાત રેજન્સીના જનરલ મેનેજરે ફરિયાદીને તા.૨/૮/૨૦૧૯ રોજ રૂપિયા ૨૦૯૫નો ચેક આપ્યો હતો.

(3:49 pm IST)