Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

જવાહરલાલ નહેરૂએ કરેલી ભૂલો મોદી-શાહે સુધારીઃ મનસુખ માંડવિયા

અમદાવાદ તા. ૧૩ : કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપાના પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાએ અમદાવાદ ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું. કે, કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩પએ દુર કરવાના ઐતિહાસીક નિર્ણય બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહને હૃદયપૂર્વકના લાખ લાખ અભિનંદન પાઠવું છું.

આ નિર્ણય 'એક રાષ્ટ્ર એક બંધારણ'ની વિભાવનાને નૈતિક પીઠબળ પુરૂ પાડતો આઝાદી પછીનો ઐતિહાસિક નિર્ણય છ.ે દેશ અને દુનિયામાં વસતાં કરોડો ભારતીયોના મન-હૃદયમાં કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની રહે તે પ્રકારની વર્ષોથી પડી રહેલી ઇચ્છા હવે પૂર્ણ થઇ છે. આઝાદીના ૭૦ વર્ષ બાદ કાશ્મીરના એકીકરણનો અભૂતપૂર્વ નિર્ણય એ કાશ્મીરી પંડિતોની અનંત લડાઇનો આદર અને આતંકીઓ સામે લડતાં શહીદોનું સન્માન છે. રાષ્ટ્રરૂપ શ્રી સરદાર પટેલનું કાશ્મીરના મુદ્દે ભારતના એકીકરણનું અધુરૃં રહેલું સ્વપ્ન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ દ્વારા સાકાર છે.

શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, જનસંઘના સમયથી જ ભાજપાના એજન્ડામાં જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો બની રહે તે માટેના પ્રયાસો હતા, જનસંઘના સ્થાક ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ 'એક દેશ મેં દો નિશાન, દો વિધાન અને દો પ્રધાન નહીં ચલેગા'ના નારા સાથે આંદોલન કરતા પોતાના પ્રાણનું બલીદાન આપ્યું હતું. દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા એ ભાજપાનો મુખ્ય એજન્ડા રહ્યો છે. આઝાદીના ૭૦ વર્ષો સુધી ભારતની એકતા અને અખંડિતતા માટે જે કામ કોંગ્રેસે ન કર્યું તે ઐતિહાસીક કાર્ય કેન્દ્રની ભાજપા સરકારે કરી બતાવ્યું છ.ે કોંગ્રેસના જવાહરલાલ નેહરૂ દ્વારા કાશ્મીરના ગઠન વખતે થયેલી ભયંકર ભુલોને આજે કેન્દ્રની ભાજપા સરકારે રાષ્ટ્રહિત માટેસુધારી દેશની અખંડિતતા અને સુરક્ષા માટેની કટ્ટિબધ્ધતા દર્શાવી છે.

(3:34 pm IST)