Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

આજે આખા ગુજરાતમાં મેઘ વિરામઃ ખેતીને હવે ૧૦ દિ' પછી વરસાદની જરૂર

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૪૩ ઈંચ વરસાદ વિસાવદરમાં, સૌથી ઓછો ૧૦ ઈંચ ભાણવડમાં

રાજકોટ, તા. ૧૩ :. ગુજરાતમાં તા. ૮ થી ૧૦ વચ્ચે મેઘરાજાએ સટાસટી બોલાવ્યા બાદ હવે વિરામ લીધો છે. આજે સવારે જૂનાગઢના માળીયામાં હળવુ ઝાપટુ થયુ છે. તે સિવાય તમામ તાલુકાઓમાં વરસાદી વિરામ છે. છેલ્લા અઠવાડીયાનો વરસાદ ખેતરોમાં કાચુ સોનુ વરસ્યા બરાબર છે. હવે ઉઘાડ નિકળતા ખેડૂતો ફરી ખેતીના કામમાં વળગ્યા છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનો પાક થાય છે. ઓગષ્ટના બીજા અઠવાડીયાનો વરસાદ ખેતી માટે આશિર્વાદરૂપ સાબિત થયો છે. જ્યાં સમયસર વાવણી થઈ ગયેલ તેવા વિસ્તારોમાં હવે ૮ - ૧૦ દિવસ પછી વરસાદની જરૂર પડશે તેમ ખેતી સાથે સંકળાયેલા વર્તુળોનું કહેવુ છે. અમુક જગ્યાએ આ વખતના સારા વરસાદ પછી વાવણી થઈ છે.  આજે સવારથી બપોર સુધીમાં કયાંય નોંધપાત્ર વરસાદ હોવાના વાવડ નથી. રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં ઉઘાડ છે. ખાડાઓમાં ભરાયેલા પાણી નિકળવા લાગ્યા છે. જનજીવન ફરી રાબેતા મુજબ ધબકતુ થઈ ગયુ છે. તા. ૧૫ ઓગષ્ટ આસપાસના દિવસોમાં ફરી વરસાદની આગાહી છે પરંતુ અત્યારના ઉઘાડથી લોકો રાહત અનુભવી રહ્યા છે. હાલનું વાતાવરણ ખેતી માટે પણ ફાયદારૂપ ગણાય છે.

જૂન, જુલાઈમાં ધાર્યો વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરેલ. ઓગષ્ટના બીજા અઠવાડીયાના વરસાદે ખેતી અને પીવાના પાણીની બાબતમાં ધરખમ રાહત કરી દીધી છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૪૩ ઈંચ વરસાદ વિસાવદરમાં પડયો છે. તાલાળામાં ૩૩ ઈંચ અને ચુડામાં ૩૧ ઈંચ જેટલો વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો ૧૦ ઈંચ વરસાદ ભાણવડમાં થયો છે. તે મોસમના સરેરાશ વરસાદ કરતા માત્ર ૪૦ ટકા જ છે. ઓછા વરસાદની બાબતમાં બીજા ક્રમે રાજકોટ જિલ્લાનો જેતપુર તાલુકો આવે છે ત્યાં માત્ર ૧૧ ઈંચ વરસાદ થયો છે. જો હવે અઠવાડીયા પછી વરસાદ આવે તો ચૌદઆની કે તેના કરતા પણ વધુ સારૂ વર્ષ થવાની ખેડૂતોને આશા છે. હમણાના સારા વરસાદથી જન્માષ્ટમીના તહેવારોની ઉજવણીનો લોકોનો ઉમંગ બેવડાયો છે.

(1:10 pm IST)