Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ગુજરાત ત્રાસવાદી હુમલાની દહેશતથી પેટ્રોલિંગ વધારાયું

ગુજરાતમાં પ્રવેશના તમામ માર્ગો પર નાકાબંધી :ધાર્મિક સ્થળો, તમામ એરપોર્ટ, રેલવે, એસટી બસ સ્ટોપો સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધુ મજબૂત કરી દેવાઈ

અમદાવાદ, તા.૧૨ : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યા બાદ અને તા.૧૫મી ઓગસ્ટને અનુલક્ષીને દેશભરના રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા છે. આઈબીને મહત્વના ઈનપુટ મળ્યા છે કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થઈ શકે છે. આ સંદર્ભે આઇબીએ ગુજરાત સરકારને રિપોર્ટ સોંપ્યો છે. આતંકી હુમલાના આશંકાને લઈ દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવી છે. અમદાવાદ સહિત રાજયભરમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા જબરદસ્ત ચેકીંગ અને સતત પેટ્રોલીંગ ચાલી રહ્યા છે.

       રાજય સરકાર અને ડીજીપી તરફથી આ અંગે સઘન સુરક્ષા અને બાજનજરના નિર્દેશો જારી કરી દીધા છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ ગુજરાતના મહત્વના સ્થળો પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. આગામી તા.૧૫મી ઓગસ્ટ તથા પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, દ્વારકા સહિતના યાત્રાધામ અને બોર્ડર તથા દરિયાઇ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, તેમજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પણ પોલીસ પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.

       ગુજરાતમાં પણ કોઇપણ પ્રકારની ભાંગફોડ પ્રવૃત્તિ બને તે તેને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક બની ગઇ છે. ખાસ કરીને જાહેર સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. બીજીતરફ કચ્છ ભુજ બોર્ડર પર પણ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોસ્ટ ગાર્ડને પણ ઍલર્ટ રહેવાના આદેશો આપીને દરિયાઇ પણ વધારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી ૭૦ વર્ષ જૂની ૩૭૦ની કલમ હટાવી હોવાથી આતંકી હુમલાની દહેશતના પગલે ભારત સરકારે

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોને એલર્ટના આદેશો આપ્યા છે. જેથી ગૃહ વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. જે પવિત્ર યાત્રાધામો, એરપોર્ટ, રેલવે, એસટી બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધારીને ઠેર ઠેર નાકાબંધી કરીને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આતંકી ગતિવિધિઓને લઇને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં પણ પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે.

તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક બની છે. આઈબી દ્વારા અપાયેલા એલર્ટના પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એકદમ હાઇએલર્ટ પર રખાઇ છે અને સલામતીમાં કોઇપણ ચૂક કે ઢીલાશ નહી દાખવવા તાકીદ કરાઇ છે.આંતકી હુમલાની દહેશતના પગલે ગુજરાતમાં તમામ પ્રવેશમાર્ગો અને રસ્તાઓ પર બેરીકેડ લગાવીને શંકાસ્પદ લાગતાં વાહનો વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના કાલુપુર, સાબરમતી રેલવે સ્ટેશન પર પણ મુસાફરોની બેગ તપાસવાની સાથે ટ્રેનોમાં પણ પ્રવાસીઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(9:02 pm IST)