Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

એક સમયે અમિત જેઠવા તેમજ દિનુ બોઘા વચ્ચે ગાઢ મિત્રતા હતી

મિત્રતાથી દુશ્મનાવટ સુધીનો ઘટનાક્રમ ફિલ્મ જેવો : અમિત જેઠવા જેના બંગલા ઉપર રોકાતા તે દિનુ બોઘાએ હત્યા કરાવી : ખાણ ખનીજને લઇને ઝુંબેશમાં વાંધો પડ્યો

અમદાવાદ, તા.૧૧ : ગીર નેચર યુથ કલબના સ્થાપક અને આરટીઆઈ એકટીવીસ્ટ અમિત જેઠવાની હત્યામાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે. પરંતુ જેઠવા અને દિનુ બોઘા વચ્ચેની મિત્રતાથી લઇ દુશ્મનાવટ સુધીની સફર પણ ફિલ્મી સ્ટોરી જેવી રસપ્રદ અને જોરદાર છે. અમિત જેઠવા અને દિનુ બોઘા વચ્ચે પહેલી મુલાકાત ખાંભાના સામુહિક આરોગ્ય કેન્દ્રની નોકરી દરમ્યાન થઈ હતી. જો કે બાદમાં બન્ને વચ્ચે ખૂબ સારી મિત્રતાના સંબંધો બંધાઇ ગયા હતા. માત્ર એટલું જ નહીં, એક સમયે અમિત જેઠવા ગાંધીનગરની મુલાકાત વખતે દિનુ બોઘાના બંગલો પર જ રોકાતા હતા. જો કે, બાદમાં બંને વચ્ચે એવી દુશ્મનાવટ થઇ કે, જેના બંગલામાં રોકાતા હતા તે દિનુ બોઘાએ જ જેઠવાની હત્યા કરાવી નાંખી. વાસ્તવમાં જેઠવાની ખાણ ખનીજની ઝુંબેશને લઇ બંને વચ્ચે જોરદાર દુશ્મનાવટ ઉભી થઇ હતી, એટલી હદે કે, તેનો અંજામ જેઠવાની હત્યાથી આવ્યો હતો. અમિત જેઠવાનો જન્મ અમરેલીના ખાંભામાં ભીખાલાલ કલ્યાણજીના ઘરે થયો હતો. તેમણે ૧૯૯૩માં રાજકોટની બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજમાંથી ડીપ્લોમા ઈન ફાર્મસીનો અભ્યાસ કર્યા બાદ ગત તા.૧૯ માર્ચ,૧૯૯૬ના રોજ ખાંભાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તેમને જુનિયર ફાર્માસિસ્ટ તરીકે નોકરી મળી હતી. આ દરમ્યાન અમિત જેઠવાએ અલ્પા નામની યુવતી સાથે લગ્ન કર્યા અને આરોહી તથા અર્જુન નામના સંતાનોના પિતા બન્યા. ખાંભાના સામુહિક આરોગ્ય કેન્દ્રની નોકરી દરમ્યાન તેની કામગીરી અંગે અનેક વિવાદો થયા હતા. એક તબક્કે તો તેમની વિરૂધ્ધમાં ખાંભા ગામ બંધ રહ્યું હતું અને તે સમયના કોડીનારના ધારાસભ્ય દિનુ બોઘા સોલંકીએ ગ્રામજનોને ન્યાયપૂર્ણ તપાસની ખાતરી આપી હતી. ત્યારબાદ તા.૭ ઓક્ટોબર,૨૦૦૦ના રોજ અમિત જેઠવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અમિત જેઠવાએ આ સસ્પેન્શન સામે અપીલ કર્યા બાદ તા.૫ જાન્યુઆરી,૨૦૦૪ના રોજ તેમની સુરત જિલ્લાના નઝિર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પુનઃ નિયુક્તિ આપવામાં આવી હતી. નઝિરમાં તેમણે ૧૫ દિવસ ફરજ બજાવી હતી અને આ દરમિયાન પણ નઝિર નજીકના માંડવી સામુહિક આરોગ્ય કેન્દ્રના એક કર્મચારી સાથે ઝઘડો થતાં આ મામલો પણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

દિલીપ સંઘાણી સહિત અગ્રણી સામે ફરિયાદો થઇ હતી

અમદાવાદ, તા. ૧૧ :    ગત તા.૭ જાન્યુઆરી,૨૦૦૬ના રોજ ખાંભા તાલુકાના હનુમાન ગાળા આશ્રમમાં યોજાયેલી એક શિબિરમાં દિલીપ સંઘાણી ઉપરાંત અનેક અગ્રણીઓ, સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હનુમાન ગાળા આશ્રમ અભ્યારણ્યની હદમાં આવેલ હોવાથી આ શિબિર યોજવાનું પગલું ગેરકાયદે છે તે મુદ્દે તેમણે દિલીપ સંઘાણી સહિતના અગ્રણીઓ સામે પણ જેઠવાએ ધારી કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ જ રીતે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી ચાવડા સામે એક શિક્ષિકાએ કરેલી ફરિયાદ પાછળ અમિત જેઠવાનો હાથ હોવાનું ચર્ચાતુ રહ્યું હતું. આ સિવાય અમરેલી જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી સ્વ. ડો.કનેરિયા સામે પણ અમિત જેઠવાએ અનેક ફરિયાદો કરી હતી.

(8:08 pm IST)