Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

દલિત યુવક હત્યા કેસમાં વધુ ૩ આરોપીઓની અટકાયત

પ્રકરણમાં હજુ સુધી કુલ છની ધરપકડ કરાઈ : દરબાર યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવકની હત્યા કેસમાં અજય, અનોપસિંહ અને પરબતસિંહની અટકાયત

અમદાવાદ, તા.૧૧ : અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વરમોર ગામે દરબાર યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવકની પોલીસની હાજરીમાં યુવતીના પરિવારજનોએ ગળું કાપી હત્યા કરી નાંખવાના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે ચકચારભર્યા એવા આ મર્ડર કેસમાં કુલ ધરપકડનો આંક છ નો થયો છે. પોલીસે આજે આ કેસમાં અજયસિંહ, અનોપસિંહ અને પરબતસિંહ નામના આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. દરબાર યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવકની હત્યા કેસમાં પોલીસે ગઇકાલે યુવતીના પિતરાઇભાઇ એવા આરોપી હરિશ્ચંદ્રસિંહની ધરપકડ કરી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ જારી રાખી છે. બીજીબાજુ, મૃતક દલિત યુવકને ઉંઝા ખાતે તેના વતનમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અંતિમવિધિ સંપન્ન કરવામાં આવી હતી. તો, દલિત યુવકની આ હત્યા કેસમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ન્યાયિક તપાસ અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા સખત નશ્યત કરવા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ઉગ્ર માંગણી કરી હતી. જો આ કેસમાં તાત્કાલિક ન્યાયિક કાર્યવાહી નહી થાય તો, વિધાનસભામાં હલ્લાબોલ કરવાની મેવાણીએ ચીમકી ઉચ્ચારી હતી. ઉઁઝા તાલુકાના વરવાડા ગામનો વતની અને વ્યવસાય અર્થે વર્ષોથી પરિવાર સાથે કચ્છના વરસામોરી ગામે રહી ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા હરેશ ઉર્ફે આનંદ યશવંતભાઈ ગણપતભાઈ સોલંકી (ઉ.વ.૨૬)એ માંડલ તાલુકાના વરમોર ગામની દરબારની દીકરી ઉર્મિલા ઝાલા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બે મહિના અગાઉ ઉર્મિલાને તેના પરિવારજનો વરમોર લઇ ગયા હોઇ હરેશ તેની પત્નીને લાવવા ૧૮૧ અભયમની મદદ લઇ સોમવારે સાંજના માતા સુશીલા તેમજ સંબંધી ધીરુભાઈની સાથે વરમોર ગયો હતો. અભયમના કર્મીએ હરેશને સાથે નહીં આવવા સમજાવ્યો પણ કોઈ વિવાદ નથી તેમ કહેતાં તેને સુરક્ષાના ભાગરૂપે ગાડીની પાછળની સીટમાં બેસાડ્યો હતો. અભયમનો સ્ટાફ ઉર્મિલાના મા-બાપને સમજાવી પરત ફરતાં હરેશને ગાડીમાં ડ્રાયવર સાથે આગળ બેઠેલો જોતાં યુવતીના પિતા દશરથસિંહ ઝાલા જોઈ જતાં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતા અને ઇન્દ્રજીતસિંહ, હસમુખસસિંહ, પરબતસિંહ, હરિશ્ચંદ્રસિંહ, જયદીપસિંહ, અજયસિંહ વગેરે ઘાતક હથિયારો લઇ તૂટી પડતાં અભયમનો સ્ટાફ જીવ બચાવી ભાગ્યો, પણ ગાડીને આંતરી હરેશને બહાર કાઢી કરાયેલા જીવલેણ હુમલામાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અભયમનાં ભાવિકાબેન નવજીભાઈ ભમોટે તમામ નવ આરોપીઓ વિરુદ્ધ માંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આમ, આ કેસમાં અત્યારસુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ થઇ છે પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થાય તે નક્કી છે.

(7:43 pm IST)