Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

બાયડ તાલુકા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું કમકમાટી ભર્યું મોત:બેને ગંભીર ઇજા

બાયડ: તાલુકાના બાવાના મઠ નજીક ખેતરમાં રહેતાં અરજણભાઈ પુજાભાઈ પરમાર (ઉં.વ ૭૫) ગત રવિવારના રોજ કપડવંજ તાલુકાના આંબલીયારામાં રહેતી તેમની પુત્રીના ઘરે જવા નીકળ્યાં હતાં. કપડવંજ બસસ્ટેન્ડની બાજુમાં આવેલ કાલી બસ્તીના નાકે તેઓ ચાલતાં જઈ રહ્યાં હતાં. તે વખતે માર્ગ પરથી પુરઝડપે આવતાં એક્ટિવાના ચાલકે અરજણભાઈને અડફેટે લેતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સૌપ્રથમ કપડવંજની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યાં બાદ વધુ સારવાર માટે વાત્રક હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેઓનું ગતરોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મરણજનાર અરજણભાઈના પૌત્ર સંજયકુમાર આભાભાઈ પરમારની ફરીયાદને આધારે કપડવંજ ટાઉન પોલીસે એક્ટિવા ચાલક સમીરભાઈ રસીકભાઈના પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

જ્યારે નડિયાદ તાલુકાના ઉતરસંડામાં રહેતાં સુમિત્રાબેન અશોકભાઈ પરમાર તેમના એક વર્ષીય પૌત્ર પાર્થ ને લઈ ઉતરસંડા ગામના મેઈન ગેટ નજીકથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પરથી પુરપાટ ઝડપે આવતી વેગનઆર ગાડી નં જીજે ૦૫ સીએમ ૦૧૨૦ ના ચાલકે સુમિત્રાબેનને પાછળથી ટક્કર મારી હતી. ગાડીની ટક્કર વાગવાથી સુમિત્રાબેન તેમજ તેમના હાથમાં ઊંચકેલો પૌત્ર પાર્થ જમીન પર પટકાયાં હતાં. જેથી બંનેને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે સુમિત્રાબેન અશોકભાઈ પરમારની ફરીયાદને આધારે ચકલાસી પોલીસે વેગનઆર ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:23 pm IST)