Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

માતા-બહેનો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સહજતાથી વાતચીત

મહિલાઓ વિધાનસભા મુલાકાતે

અમદાવાદ,તા.૧૦ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની કામગીરી નિહાળવા બુધવારે વિધાનગૃહની મૂલાકાતે આવેલી ૧૦૦૦ જેટલી નારીશકિત-ભગિની શકિત-વિદ્યાર્થીની બહેનો સાથે સીધો સંવાદ સાધી સી.એમ કોમન મેનનું આગવું દ્રષ્ટાંત પુરૃં પાડયું છે. રાજકોટ શહેર-ગ્રામ્ય, જામનગર અને અમરેલી જિલ્લાની વિવિધ સંસ્થાઓની બહેનો તેમજ અમરેલીની બી.બી.એ. કોલેજની વિદ્યાર્થીનીઓ વિધાનસભા જોવા ગાંધીનગરના પ્રવાસે આવેલી હતી. મુખ્યમંત્રીએ વિધાનસભા પોડિયમમાં આ નારી-ભગિની શકિત સાથે સંવાદ સાધતા કહ્યું કે, ગુજરાતમાં મહિલા-બાળકલ્યાણ તેમજ કન્યા શિક્ષણ માટે રાજ્યના બજેટમાં વિશેષ પ્રાવધાન કરી ''વ્હાલી દિકરી'' જેવી કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે. તેમણે ઉમેર્યુ કે, બેટી બચાવો – બેટી વધાવો સાથે બેટી પઢાઓનો ધ્યેય સાકાર કરવા દિકરીઓ માટે શિક્ષણની અદ્યતન સુવિધાઓ ઉભી કરી છે. ગુજરાતમાં ઘરઆંગણે સમયાનુકુલ ઉચ્ચશિક્ષણની તકો મળે તે માટે ૬૦ જેટલી યુનિવર્સિટી વિવિધ અભ્યાસક્રમો સાથે રાજ્યમાં કાર્યરત છે તેની ભૂમિકા પણ વિજય રૂપાણીએ આપી હતી.

(9:49 pm IST)